એશિયન ગેમ્સ 2018 એથ્લેટિક્સઃ દુતી ચંદ, હિમા દાસ, મોહમ્મદ અનસે ભારતને રજત ચંદ્રકો અપાવ્યા

જકાર્તા – અહીં રમાતી એશિયન ગેમ્સમાં આજે ભારતે વધુ ત્રણ સિલ્વર મેડલ જીત્યા છે. આ ત્રણેય મેડલ ભારતને એથ્લેટિક્સમાં અને તે પણ ટ્રેક એન્ડ ફિલ્ડ (દોડ)માં મળ્યાં છે. મહિલાઓની 100 મીટરની દોડમાં ઓડિશાનિવાસી દુતી ચંદ બીજા ક્રમે આવી છે. એણે 11.32 સેકંડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આમ, દુતી ચંદ બની છે એશિયામાં સૌથી ઝડપી દોડનાર બીજા નંબરની મહિલા. આ રેસનો ગોલ્ડ મેડલ જીત્યો છે બેહરીનની ઓડિયોંગ ઈડીડિંગે 11.30 સેકંડ સાથે અને કાંસ્ય ચંદ્રક જીત્યો છે ચીનની વેઈ યોંગલીએ – 11.33 સેકંડના સમય સાથે.

દુતી ચંદ

દુતીએ સેમી ફાઈનલ દોડમાં 11.43 સેકંડના સમય સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ફાઈનલ માટે ક્વાલિફાય થઈ હતી.

આજે આ પહેલાં, મહિલાઓની 400 મીટરની દોડમાં હિમા દાસે બીજા ક્રમે આવીને રજત ચંદ્રક જીત્યો હતો તો પુરુષોના વિભાગમાં 400 મીટરની જ દોડમાં મોહમ્મદ અનસ બીજા ક્રમે આવ્યો હતો.

હિમા દાસે 50.79 સેકંડના સમય સાથે બીજા ક્રમે રહીને રજત જીત્યો છે તો મોહમ્મદ અનસ યાહિયાએ 45.69 સેકંડના સમય સાથે બીજા ક્રમે આવીને રજત ચંદ્રક જીત્યો છે.

હિમા દાસે આજના દેખાવ સાથે પોતાનાં જ રાષ્ટ્રીય વિક્રમને તોડ્યો છે. એણે શનિવારની સેમી ફાઈનલ દોડ વખતે 51.0 સેકંડનો સમય નોંધાવ્યો હતો. આમ, એણે 24 કલાકમાં જ પોતાનો નવો વિક્રમ નોંધાવ્યો છે.

દુતી ચંદ

દુતી ચંદ

હિમા દાસ

મોહમ્મદ અનસ

પુરુષોની 10 હજાર મીટરની દોડમાં ગોવિંદન લક્ષ્મણન ત્રીજા ક્રમે આવ્યો હતો, એને કાંસ્ય ચંદ્રક વિજેતા જાહેર કરાયો હતો, પણ બાદમાં એણે ટ્રેકની બહાર પગ મૂક્યો હોવાનું માલૂમ પડતાં એને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

ગોવિંદન લક્ષ્મણન