મુંબઈઃ એશિયા કપ ક્રિકેટ સ્પર્ધા-2023 આગામી મહિને પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્તપણે યોજાવાની છે. સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા માટે ક્રિકેટરસિયાઓમાં ભારે રોમાંચ ફેલાયો છે. બંને ટીમ આ સ્પર્ધામાં લીગ તબક્કામાં એકબીજા સામે બે વાર ટકરાશે. તે પછી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં નિર્ધારિત વર્લ્ડ કપ-2023માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને કટ્ટર હરીફનો મુકાબલો નિર્ધારિત છે.
આઈપીએલના ચેરમેન અરૂણ ધુમલે કહ્યું છે કે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા ઝાકા અશરફ વચ્ચેની બેઠકમાં એશિયા કપ-2023નો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. ભારતીય ટીમ એશિયા કપની મેચો રમવા માટે પાકિસ્તાન નહીં જાય એ પણ નક્કી થઈ ગયું છે. પાકિસ્તાનમાં સ્પર્ધાની ચાર મેચો રમાશે. ત્યારબાદ 9 મેચ શ્રીલંકામાં રમાશે. આમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની બે લીગ મેચનો સમાવેશ થાય છે. ધારો કે ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન આવશે તો તે મેચ પણ શ્રીલંકામાં જ રમાશે. શાહ અને અશરફ વચ્ચેની બેઠકમાં કોઈ લાંબી-લચક ચર્ચા વગર કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના સ્પોર્ટ્સ પ્રધાન એહસાન મઝારીએ તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે જો ભારત એશિયા કપની મેચો રમવા પાકિસ્તાન આવવાની ના પાડશે તો પાકિસ્તાન વર્લ્ડ કપ-2023 વખતે પોતાના હિસ્સાની મેચો ભારતમાં નહીં રમવાનું વલણ અપનાવશે.
એશિયા કપમાં, પાકિસ્તાન ઘરઆંગણે નેપાળ સામે રમશે. તે ઉપરાંત અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ, બાંગ્લાદેશ-શ્રીલંકા અને શ્રીલંકા-અફઘાનિસ્તાન મેચ રમાશે.