અર્જુન તેંડુલકરે મુંબઈ ઈન્ડિયન્સનો આભાર માન્યો

મુંબઈઃ આઈપીએલ સ્પર્ધાની 14મી મોસમ માટે ગઈ કાલે ચેન્નાઈમાં ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ યોજાઈ ગયો. એમાં સૌથી છેલ્લું નામ હતું સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનું. 21 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર અને ડાબોડી બેટ્સમેન અર્જુને આ પહેલી જ વાર આઈપીએલની હરાજીમાં ભાગ લીધો હતો. ગયા મહિને એણે સૈયદ મુશ્તાક અલી ટ્વેન્ટી-20 સ્પર્ધામાં પદાર્પણ કર્યું હતું. એમાં સારો દેખાવ કરવાથી જ એ આઈપીએલ હરાજી માટે પાત્ર ઠર્યો હતો. એની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા નિશ્ચિત કરાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે એ જ રકમમાં એને ખરીદી લીધો હતો. હવે અર્જુન આ જ સ્પર્ધામાં એનાં મહાન ક્રિકેટર પિતા સચીન તેંડુલકરના માર્ગદર્શન પ્રમાણે રમશે.

આઈપીએલ હરાજી કાર્યક્રમ પૂર્વે જ ચર્ચા હતી કે મુંબઈ ઈન્ડિયન્સ જ અર્જુનને ખરીદશે. એ છેલ્લા ઘણા વખતથી મુંબઈના બેટ્સમેનોને નેટ્સમાં પ્રેક્ટિસ કરાવતો હતો. હરાજીમાં ખરીદી કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે સોશ્યલ મિડિયા પર અર્જુનનું સ્વાગત કર્યું હતું. અર્જુન પહેલાં વાનખેડે સ્ટેડિયમમાં બોલ-બોય તરીકે સેવા બજાવતો હતો. ત્યારબાદ સપોર્ટ બોલર તરીકે અને હવે ટીમના બોલર તરીકે સેવા બજાવે છે. અર્જુને સોશ્યલ મિડિયા પર એક વિડિયો મૂકીને પોતાની પસંદગી કરવા બદલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો આભાર માન્યો છે. મુંબઈ ટીમે એ વિડિયોને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વિડિયોમાં અર્જુન કહે છે, નાનપણથી જ હું મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પ્રશંસક રહ્યો છું. મારી પર વિશ્વાસ મૂકવા બદલ હું કોચ, ટીમના માલિક અને સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું. મુંબઈ પલટન ટીમનો સભ્ય બનવા બદલ હું ઉત્સાહી થયો છું અને જલદી બ્લૂ ગોલ્ડ જર્સી પહેરવા મળે એની રાહ જોઉં છું.

(તસવીર સૌજન્યઃ મુંબઈ ઈન્ડિયન્સ ટ્વિટર)