નવી દિલ્હીઃ ICC વનડે વર્લ્ડ કપ 2023 શરૂ થતાં પહેલાં દક્ષિણ આફ્રિકાને આંચકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર એનરિક નોર્ટઝે અને સિસાંડા મગાલા ઇજાને કારણે વિશ્વ કપમાંથી બહાર થયા છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના હેડ કોચ રોબ વોલ્ટરે આની પુષ્ટિ કરી હતી. એનરિક નોર્ટઝે અને સિસાંડા મગાલાની જગ્યાએ એન્ડિલ ફેહલુકવાયો અને લિઝાડ વિલિયમ્સને 15 ક્રિકેટરોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
એનરિકને પીઠમાં ફ્રેકચર થયું છે. જેથી તે ટીમમાંથી બહાર થયો છે. તેણે અત્યાર સુધી કુલ 465 વિકેટ લીધી છે. તેણે ફર્સ્ટ કલાસમાં 234, લિસ્ટ એમાં 89 અને T20 મેચોમાં 142 વિકેટ લીધી છે. આમાં તેણે 19 ટેસ્ટમાં 70, 22 વનડે ઇન્ટરનેશનલમાં 36 અને 31 T20 ઇન્ટરનેશનલમાં 38 વિકેટ પણ સામેલ છે.
સિસાંડા મગાલાએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ હાલમાં વનડે સિરીઝમાં ઘૂંટણમાં ઇજાની ફરિયાદ કરી હતી. તેને સાવધાનીરૂપે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સિસાંડા મગાલાને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતાં ઇજા થઈ હતી.સિસાંડા મગાલા અત્યાર સુધી કેરિયરમાં 275 ફર્સ્ટ ક્લાસ, 190 લિસ્ટ એ અને 140 T20 વિકેટ લીધી છે. તેણે અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ નથી રમી. તેણે આઠ વનડે ઇન્ટરનેશનલ રમી છે, એમાં તેણે 15 વિકેટ લીધી છે. તે છ T20 ઇન્ટરનેશનલમાં છ વિકેટ પણ લઈ ચૂક્યો છે.