ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ODIમાં સિરાજ નહીં રમે

મોહાલીઃ આવતી પાંચ ઓક્ટોબરથી ભારતની ધરતી પર આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધા રમાવાની છે. પણ એ પૂર્વે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝ રમાશે. આવતીકાલે અહીંના પીસીએ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે પહેલી મેચ રમાવાની છે. બીજી મેચ 24મીએ ઈન્દોરમાં અને ત્રીજી મેચ 27મીએ રાજકોટમાં રમાશે. ત્રણેય મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીને આ સીરિઝની પહેલી બે મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. ઓપનિંગમાં ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ રમશે. તે પછીના ક્રમે વિકેટકીપર ઈશાન કિશન, કેપ્ટન અને વિકેટકીપર કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા રમશે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં રવિચંદ્રન અશ્વિનને પણ સ્થાન મળવાની ધારણા છે. એવી જ રીતે, ફાસ્ટ બોલરો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શામી પણ ઈલેવનનો હિસ્સો બની શકે છે.

પહેલી મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ નહીં રમે એવું મનાય છે. સિરાજે હાલમાં જ કોલંબોમાં રમાઈ ગયેલી એશિયા કપ ફાઈનલ મેચમાં 21 રનમાં 6 વિકેટ લઈને શ્રીલંકાની ટીમનો ઘડોલાડવો કરી નાખ્યો હતો. ભારત મેચ અને વિજેતાપદ જીત્યું હતું અને સિરાજે ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ જીત્યો હતો. ટીમ મેનેજમેન્ટ અને ચાહકોની નજર ઐયર અને અશ્વિનના દેખાવ પર રહેશે. ઐયરે હાલમાં જ રમાઈ ગયેલી એશિયા કપ સ્પર્ધામાં પુનરાગમન કર્યું હતું, પરંતુ તે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. તે પછી ઈજાને કારણે એ ટીમની બહાર થયો હતો. એવી જ રીતે, અશ્વિન 18 મહિના પછી દેશની વન-ડે ટીમમાં કમબેક કરશે. ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિન માટે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી મહત્ત્વની બનશે, કારણ કે એમાં તે સારો દેખાવ કરશે તો જ એને વર્લ્ડ કપમાં રમવાનો ચાન્સ મળશે.