વર્લ્ડ કપમાં જીત બાદ ફ્રાન્સમાં ઉન્માદ સાથે હિંસાના બનાવો પણ બન્યા; બે જણનાં મરણ

પેરિસ – 15 જુલાઈ, રવિવારે મોસ્કોમાં ફ્રાન્સે ફિફા વર્લ્ડ કપ-2018નું વિજેતાપદ જીત્યા બાદ ફ્રાન્સમાં ઠેર ઠેર લોકો ઉત્સવના મૂડમાં આવી ગયા હતા, પરંતુ એની સાથોસાથ હિંસાના બનાવો પણ બન્યા હતા અને બે ચાહકે જીવ પણ ગુમાવ્યો છે.

હિંસાના બનાવોમાં બીજાં અનેક જણ ઘાયલ થયા છે.

હિંસાની સૌથી વધારે અસર થઈ હતી મધ્ય પેરિસમાં, જ્યાં લૂંટફાટ થઈ હતી, રમખાણો થયા હતા અને ચાહકો તથા પોલીસો વચ્ચે અથડામણ થઈ હતી. રવિવારે મોડી રાતે ચેમ્પ્સ એલીસીઝ એવેન્યૂમાંથી લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુના શેલ્સ ફોડ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ સ્થળને આજે સવારે બંધ રાખવામાં આવ્યું હતું.

મોસ્કોમાં રમાઈ ગયેલી ફાઈનલમાં ફ્રાન્સે ક્રોએશિયાને 4-2થી પરાજય આપ્યો હતો. ફ્રાન્સે 20 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે.

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યૂલ મેક્રોન રવિવારે મોસ્કોના લઝનિકી સ્ટેડિયમમાં હતા અને ફાઈનલ મેચ નિહાળી હતી.

પેરિસની પૂર્વમાં લગભગ 350 દૂર આવેલા એનીસી વિસ્તારમાં 50 વર્ષનો એક માણસ ફ્રાન્સની જીતની વ્હીસલ વાગતાં જ આનંદમાં આવી એક નહેરમાં કૂદી પડ્યો હતો, પણ એને ઈજા થઈ હતી.

સેન્ટ-ફેલિક્સમાં, એક માણસ એની કારનો કન્ટ્રોલ ગુમાવી બેસતાં કારને ઝાડ સાથે અથડાવી બેઠો હતો અને એમાં એનો જાન ગયો હતો. પોલીસનું કહેવું છે કે એ ફ્રાન્સની જીતની ઉજવણી કરી રહ્યો હતો.

પેરિસના મધ્ય ભાગમાં ઘણા લોકોએ લૂંટફાટ મચાવી હતી, દુકાનોમાં તોડફોડ કરી હતી અને પોલીસો પર હુમલા પણ કર્યા હતા. પોલીસોએ આક્રમક વલણ બતાવ્યું હતું અને એ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરાવી દીધી હતી.