ફ્રાન્સ બન્યું ફિફા વર્લ્ડ કપ-2018 ચેમ્પિયન; ફાઈનલમાં ક્રોએશિયાને 4-2થી હરાવ્યું

મોસ્કો – ફ્રાન્સ ફરી ફૂટબોલ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. અહીંના લુઝનિકી સ્ટેડિયમ ખાતે આજે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં એણે ક્રોએશિયાને 4-2થી પછાડી દીધું છે. સમગ્ર મેચમાં ફ્રેન્ચ ખેલાડીઓએ 60 ટકા સમય સુધી બોલને એમના તાબામાં રાખ્યો હતો. ફ્રાન્સે 20 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. 1998માં એણે પોતાની જ ધરતી પર વિશ્વવિજેતાપદ હાંસલ કર્યું હતું. ક્રોએશિયા આ પહેલી જ વાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ્યું હતું. એના ખેલાડીઓએ આક્રમક વલણ વડે સૌને પ્રભાવિત કરી દીધા હતા. ક્રોએશિયાની ટીમ ફાઈનલમાં વધારે સારી ગેમ રમી હતી, પણ ફ્રાન્સના ખેલાડીઓ વધારે કુશળતાપૂર્વક અને ચતુરાઈપૂર્વક રમ્યા હતા.

આ જીત સાથે સમગ્ર ફ્રાન્સમાં આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પેરિસના એફિલ ટાવર ખાતે પણ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને જીતની ખુશાલી મનાવી હતી.

મેચની 18મી મિનિટે ક્રોએશિયાના મારિયો મેન્ઝુકીચે આત્મઘાતી ગોલ કરીને ફ્રાન્સને સરસાઈ અપાવી હતી અને પોતાની ટીમ માટે અમંગળ પરિણામની શરૂઆત કરાવી હતી.

ગ્રીઝમેને રાઈટ ચેનલમાંથી ફ્રી-કિકમાં બોલને લાત મારી અને મેન્ઝુકીચે હેડર મારતાં બોલ એની પોતાની જ ટીમની નેટની ટોપ કોર્નરમાં ઘૂસી ગયો. આ વખતની વર્લ્ડ કપમાં એ 12મો આત્મઘાતી ગોલ હતો.

28મી મિનિટે ક્રોએશિયાએ ગોલ કરી સ્કોરને 1-1થી સમાન કર્યો. ઈવાન પેરિસીચે ઈક્વલાઈઝર કરી મેચને જીવંત બનાવી હતી.

પણ 38મી મિનિટે ક્રોએશિયાના ખેલાડીએ ફરી ભૂલ કરી હતી. ઈવાન પેરિસીચે પેનલ્ટી એરિયાની અંદર હેન્ડબોલ ફાઉલ કરતાં ફ્રાન્સને લાભ મળ્યો હતો. ફ્રાન્સે ગોલ કરી 2-1થી સરસાઈ મેળવી હતી. એન્ટોઈન ગ્રીઝમેને પેનલ્ટીને સફળતાપૂર્વક કન્વર્ટ કરીને ફ્રાન્સને સરસાઈ અપાવી સ્કોર 2-1 કર્યો હતો. ગ્રીઝમેને કાળજીપૂર્વક પોતાની ડાબી તરફ બોલને લાત મારી, ક્રોએશિયન ગોલકીપરે વિરુદ્ધ દિશામાં છલાંગ લગાવી અને ફ્રાન્સનો ગોલ થયો. ગ્રીઝમેનને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

હાફ-ટાઈમે ફ્રાન્સ 2-1થી આગળ રહ્યું હતું. ક્રોએશિયાના ખેલાડીઓ આત્મવિશ્વાસથી રમ્યા હતા, પણ સ્કોરબોર્ડ એમની તરફેણમાં નહોતું. મેન્ઝુકીચના ઓન ગોલ તથા પેરિસીચનો હેન્ડબોલ… આ બે ભૂલ ટીમને ભારે પડી ગઈ હતી અને ક્રોએશિયા બેકફુટ પર ધકેલાઈ ગયું હતું.

59મી મિનિટે ફ્રાન્સે વધુ એક ગોલ કર્યો હતો અને સરસાઈ વધારીને 3-1 કરી હતી. પૌલ પોગ્બાએ ટીમને સફળતા અપાવી. પોગ્બાએ ક્રોએશિયાના મોડરીકને ઢાલ તરીકે ઉપયોગ કર્યો અને ડાબા પગેથી બોલને નેટમાં ધરબી દીધો ત્યારે ક્રોએશિયન ગોલકીપર એની જરાય નજીકમાં પણ નહોતો.

65મી મિનિટે કાઈલીયન એમ્બાપીએ ગોલ કરી ફ્રાન્સની સરસાઈ 4-1 કરી. ફ્રેન્ચ એટેક સામે ક્રોએશિયા કચડાઈ ગયું છે.

69મી મિનિટે ક્રોએશિયાના મારિયો મેન્ઝુકીચે ગોલ કરી ફ્રાન્સની સરસાઈને ઘટાડી 2-4 કરી હતી.

ફ્રેન્ચ ટીમના ડીડીએર ડેસચેમ્પ્સે ખેલાડી અને મેનેજર તરીકે વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ ત્રીજા વ્યક્તિ છે, અન્ય બે છે – મારિયો ઝગાલો અને ફ્રાન્ઝ બેકનબોઅર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]