કોલકાતાઃ ભારત અને વેસ્ટ ઇન્ડીઝની સામે કોલકાતામાં રમાયેલી T20i મેચમાં ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈને ડેબ્યુ કરવાની તક મળી હતી. રવિએ શાનદાર બોલિંગ કરતાં ચાર ઓવરોમાં 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ હાંસલ કર્યો હતો. આ પ્રસંગે રવિએ કહ્યું હતું કે યુઝવેન્દ્ર ચહલ પાસેથી T20i કેપ મેળવવી મારે માટે ખાસ ક્ષણ હતી. ટીમ ઇન્ડિયાએ પહેલી T20Iમાં વેસ્ટ ઇન્ડીઝને છ વિકેટે હરાવ્યું હતું.
ભારત વતી રમવું એદરેક જણનું સપનું હોય છે. જ્યારે હું પ્રેક્ટિસ કરવા મેદાનમાં ઊતર્યો, ત્યારે હું ખાસ્સો ઉત્સાહિત હતો, પણ સાથે નર્વસ પણ હતો. રાહુલ સરે મારું સ્વાગત કર્યું હતું. મને મારા સિનિયર સાથે પ્રેક્ટિસ સેશનમાં મજા આવી હતી. મારે હજી ઘણુંબધું શીખવાનું છે અને ટીમ માટે મારે શ્રેષ્ઠ દેખાવ કરવાનો છે, એમ રવિએ ચહલ TVના એપિસોડમાં કહ્યું હતું.
મને યુઝવેન્દ્ર ચહલ પાસેથી કેપ મળી એ એક વિશેષ ક્ષણ હતી. મને તક મળી અને મેં મારી તરફથી સારો દેખાવ કર્યો હતો. મારી યોજના હતી કે બોલિંગમાં બેટ્સમેનને જમણી બાજુએ રમાડવો અને તેને બહુ રમવા માટે જગ્યા ના આપવી, એમ તેણે કહ્યું હતું.
ટીમ ઇન્ડિયા સામેની પહેલી T20i મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલા બેટિંગ કરતાં સાત વિકેટે 157 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે ચાર વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. આ મેચમાં રવિ અને હર્ષલ પટેલે બે-બે વિકેટ લીધી હતી.