IOC સત્ર-2023નું યજમાનપદ ભારતનેઃ નીતા અંબાણીનું સ્વાગત

મુંબઈઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના 2023ની સાલના સત્રનું આયોજન કરવાનો અધિકાર ભારતને ફાળવવાના નિર્ણયનું આઈઓસીનાં સભ્ય નીતા અંબાણીએ સ્વાગત કર્યું છે. તેમણે આ નિર્ણયને જબરદસ્ત ગણાવ્યો છે અને ઓલિમ્પિક રમતોત્સવ માટે ભારતની આકાંક્ષાઓ માટે એક મહત્ત્વની ઘટના સમાન તેમજ મોટા ગૌરવ તથા આનંદની બાબત તરીકે ઓળખાવ્યું છે. 2023માં આઈઓસીનું સત્ર યોજવા માટે મુંબઈ શહેરે પ્રક્રિયામાં સામેલ પ્રતિનિધિઓ તરફથી 99 ટકા મત પ્રાપ્ત કર્યા હતા. 75 સભ્યોએ મુંબઈ-ભારતની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. આઈઓસી સત્ર  આઈઓસીનાં સભ્યોની વાર્ષિક સભા હોય છે, જેમાં મતદાનનો અધિકાર ધરાવતા 101 સભ્યો અને 45 માનદ્દ સભ્યો હોય છે. આ સત્રમાં ઓલિમ્પિક ગેમ્સના યજમાન શહેરની પસંદગી સહિત જાગતિક સ્તરે ઓલિમ્પિક ઝુંબેશની મહત્ત્વની પ્રવૃત્તિઓ પર ચર્ચા થાય છે. 2023માં આઈઓસીનું સત્ર મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે.

ભારતે છેલ્લે 1983માં પ્રતિષ્ઠિત આઈઓસી સત્ર યોજવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. ભવિષ્યમાં યુથ ઓલિમ્પિક ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદ મેળવવા માટે ભારતને સક્ષમ બનાવવા માટે પોતે લાંબા સમયથી આદરેલી પ્રતિબદ્ધતાને નીતા અંબાણીએ આ સાથે પુષ્ટિ પણ આપી છે. એમણે એક નિવેદનમાં કહ્યું છે કે, 40 વર્ષ સુધી રાહ જોયાં બાદ ઓલિમ્પિક ઝુંબેશ ફરી ભારતમાં આવી છે. 2023માં મુંબઈમાં આઈઓસી સત્રનું આયોજન કરવાનું બહુમાન ભારતને આપવા બદલ હું આઈઓસીની ખૂબ જ આભારી છું. ભારતની ઓલિમ્પિક આકાંક્ષાઓ માટે આ મહત્ત્વપૂર્ણ બાબત છે. આનાથી ભારતીય ખેલકૂદ ક્ષેત્ર માટે એક નવા યુગનો આરંભ થશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં નીતા અંબાણી ભારતમાંથી આઈઓસી સભ્ય તરીકે નિયુક્ત કરાયેલાં પ્રથમ મહિલા છે. પ્રતિનિધિમંડળમાં ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ) પ્રમુખ ડો. નરિન્દર બત્રા, કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુર, ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા (2008 બીજિંગ, શૂટિંગ) અભિનવ બિન્દ્રાનો સમાવેશ થાય છે.