મેલબર્નઃ કામચલાઉ કેપ્ટન અજિંક્ય રહાણેની લડાયક સદીએ અહીં રમાતી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા પર પહેલા દાવમાં 82-રનની લીડ અપાવી છે અને ભારતનો દાવ હજી ચાલુ છે. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે તેના પહેલા દાવમાં પાંચ વિકેટે 277 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ ગઈ કાલે 195 રનમાં પૂરો થયો હતો. રહાણે 200 બોલમાં 104 રન કરીને દિવસને અંતે નોટઆઉટ હતો. તે અત્યાર સુધીમાં 12 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે. એની સાથે રવિન્દ્ર જાડેજા 40 રન સાથે દાવમાં હતો. બંને વચ્ચે 6ઠ્ઠી વિકેટ માટે અત્યાર સુધીમાં 104 રનની ભાગીદારી થઈ ચૂકી છે.
ચાર-મેચની પહેલી ટેસ્ટ ભારત 8-વિકેટથી હારી ગયું હતું. ભારતે એક વિકેટે 31 રનના તેના ગઈ કાલના અધૂરા દાવથી આજે આગળ રમવાનું શરૂ કર્યું હતું. 61 રનના સ્કોર પર શુભમન ગિલ (45) આઉટ થયા બાદ 64 રનના સ્કોર પર ચેતેશ્વર પૂજારા (17)એ પણ વિકેટ ગુમાવી હતી. રહાણેને હનુમા વિહારી (21) અને વિકેટકીપર રિષભ પંત (29)નો થોડોક સાથ મળ્યો હતો, પણ ખરો સાથ આપ્યો જાડેજાએ. રહાણેએ તેની આ 12મી ટેસ્ટ સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે તેની આ બીજી સદી છે અને આ જ – મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પણ તેની આ બીજી સદી છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે વિનુ માંકડ બાદ બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. વિદેશની ધરતી પર રહાણેની આ આઠમી સદી છે.