એડીલેડમાં બોલરોએ ભારતને પહેલી ટેસ્ટ જીતવાની સ્થિતિમાં મૂક્યું; ઓસ્ટ્રેલિયાને 323નો ટાર્ગેટ

એડીલેડ – અહીંના એડીલેડ ઓવલ મેદાન ખાતે રમાતી પહેલી ટેસ્ટ મેચમાં ભારત જીતની સ્થિતિમાં આવી ગયું છે. આજે ચોથા દિવસની રમતને અંતે ઓસ્ટ્રેલિયાએ 323 રનના ટાર્ગેટ સામે 4 વિકેટે 104 રન કર્યા હતા. શોન માર્શ 34, ટ્રેવિસ હેડ 11 રન સાથે દાવમાં હતો.

ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વ્યક્તિગત બે વિકેટ ઝડપી ચૂક્યા છે.

આમ આ બે બોલરે ચાર મેચોની સીરિઝની પહેલી મેચ જીતવા માટે ભારત માટે ઉત્તમ તકનું સર્જન કરી આપ્યું છે.

ઓસ્ટ્રેલિયાને જીત માટે હજી 219 રનની જરૂર છે.

ભારતે આજે મેળવેલી ચાર વિકેટ છેઃ આરોન ફિન્ચ 11, માર્કસ હેરિસ 26, ઉસ્માન ખ્વાજા 8 અને પીટર હેન્ડ્સકોમ્બ 14. માર્શ અને હેડ વચ્ચે પાંચમી વિકેટ માટે 20 રનની ભાગીદારી થઈ છે.

અગાઉ દિવસે, ભારતે 3 વિકેટે 151 રનનો તેનો ગઈ કાલનો અધૂરો બીજો દાવ આજે આગળ વધાર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્પિનર નેથન લિયોને 6 વિકેટનો પરફોર્મન્સ બતાવતાં ભારતનો બીજો દાવ 307 રનમાં પૂરો થયો હતો.

ભારતના 300+ સ્કોરનો મુખ્ય શ્રેય ચેતેશ્વર પૂજારાના 71 અને અજિંક્ય રહાણેના 70 રનના બેટિંગ દેખાવને જાય છે. બંને જણ ગઈ કાલે દિવસને અંતે અનુક્રમે 40 અને 1 રન સાથે દાવમાં હતા.

પૂજારાએ 204 બોલનો સામનો કર્યો હતો અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. રહાણેએ 147 બોલના દાવમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

વિકેટકીપર રિષભ પંતે 16 બોલમાં 28 રન કર્યા હતા. રોહિત શર્મા માત્ર 1 રન કરીને આઉટ થયો હતો.

પૂંછડિયાઓમાં – અશ્વિને પાંચ રન કર્યા હતા જ્યારે ઈશાંત અને શમી ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા હતા.

ઓફ્ફ સ્પિનર લિયોને 122 રનમાં 6 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે 40 રનમાં 3 અને જોશ હેઝલવૂડે એક વિકેટ લીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]