અમેરિકા: ફીફા વર્લ્ડકપ ૨૦૨૬ની ફાઇનલ મેચમાં સ્પેને આર્જેન્ટીનાને ૧-૦થી હરાવીને ફૂટબોલ જગત પર પોતાનો દબદબો સાબિત કર્યો છે. ન્યૂ યોર્કના ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ રોમાંચક ફાઇનલમાં સ્પેને નવો ઇતિહાસ રચી દીધો છે. હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું હતું.
આ જીત સાથે સ્પેને 16 વર્ષ લાંબો વર્લ્ડ કપનો દુકાળ ખતમ કર્યો છે. અગાઉ સ્પેનિશ ટીમ 2010માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ, લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હતી અને સતત બે વાર વર્લ્ડ કપ જીતવાનો ઇટાલી અને બ્રાઝિલનો ઐતિહાસિક રેકોર્ડ બરાબરી ચૂકી ગઈ હતી.
મેચનો રોમાંચ અને એક્સ્ટ્રા ટાઈમ
ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. નિર્ધારિત 90 મિનિટના સમય સુધી બંનેમાંથી એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી અને સ્કોર 0-0 બરાબરી પર રહ્યો હતો. આથી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં પ્રવેશી હતી. મેચની 106મી મિનિટે સ્પેન માટે સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે આવેલા ફેરાન ટોરેસે નિકો વિલિયમ્સના શાનદાર પાસ પર ગોલ ફટકારીને સ્પેનને 1-0ની નિર્ણાયક લીડ અપાવી હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી અને ટોરેસ જીતનો અસલી હીરો બન્યો હતો.
મેસી સામે સ્પેનનું સંપૂર્ણ પ્રભુત્વ
આ મહામુકાબલામાં આર્જેન્ટિનાના સુપરસ્ટાર કેપ્ટન લિયોનેલ મેસીનો જાદુ બિલકુલ ચાલ્યો નહોતો. સ્પેનિશ ડિફેન્ડર્સે મેસીને આખી મેચ દરમિયાન જકડી રાખ્યો હતો. મેચના આંકડા પર નજર કરીએ તો સ્પેનનું પલડું ભારે રહ્યું હતું. પ્રથમ હાફમાં સ્પેન પાસે 65% અને બીજા હાફમાં 68% બોલ પઝેશન રહ્યું હતું. સ્પેને ગોલપોસ્ટ પર ઘણા સચોટ પ્રહારો કર્યા હતા, જેનો આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે બચાવ કર્યો હતો. જ્યારે આર્જેન્ટિના આખી મેચમાં એક પણ શૉટ ઓન ટાર્ગેટ લગાવી શકી નહોતી. મેચના અંતિમ સમયમાં આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડીઝને બીજો યલો કાર્ડ મળતાં રેડ કાર્ડ આપી મેદાનની બહાર મોકલી દેવાયો હતો, જે આર્જેન્ટિના માટે મોટો ઝટકો હતો.
બંને ટીમોની ફાઇનલ સુધીની સફર
બંને ટીમો માટે ફાઇનલ સુધી પહોંચવાનો રસ્તો સરળ રહ્યો ન હતો. સ્પેને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યા બાદ રાઉન્ડ ઓફ-32માં ઓસ્ટ્રિયા, રાઉન્ડ ઓફ-16માં પોર્ટુગલ, ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ અને સેમિફાઇનલમાં મજબૂત ફ્રાન્સને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, આર્જેન્ટિનાએ ઇજિપ્ત, સ્વિટ્ઝર્લેન્ડ અને સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રોમાંચક જીત મેળવીને સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે સ્પેને આર્જેન્ટિના સામે વર્લ્ડ કપના ઇતિહાસમાં 60 વર્ષ જૂનો હિસાબ પણ બરાબર કરી લીધો છે.




