નવી દિલ્હી: પેપર લીક અને લદ્દાખના મુદ્દે આંદોલન ચલાવી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે અનશન સમેટી લેવાની જાહેરાત કરી છે, પરંતુ તે માટે તેમણે કેન્દ્ર સરકાર સામે ત્રણ કડક શરત મૂકી છે. સફદરજંગ હોસ્પિટલમાં દાખલ વાંગચુકે ટ્વિટર (X) પર લખ્યું છે કે જો સરકાર આ ત્રણ શરતમાંથી કોઈ એક પણ શરત સ્વીકારી લેશે, તો તેઓ 20 જુલાઈના રોજ પોતાની ભૂખ હડતાળ પૂરી કરશે.
સોનમ વાંગચુકની 3 મુખ્ય શરતો
પ્રથમ શરત: કેન્દ્ર સરકાર દેશની શિક્ષણ વ્યવસ્થામાં તાજેતરમાં થયેલી નિષ્ફળતાઓ અને NEET સહિતની પરીક્ષાઓના પેપર લીકની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે.
બીજી શરત: જો તેઓ અને કોકરોચ જનતા પાર્ટી (CJP)નું નેતૃત્વ સંસદના દરવાજા સુધી પહોંચે અને વિવિધ રાજકીય પક્ષોના સાંસદો તેમને સંસદમાં આ મુદ્દો પ્રખરતાથી ઉઠાવવાની ખાતરી આપે.
ત્રીજી શરત: જો તબિયત અથવા અન્ય કારણોસર સંસદ સુધી જવું શક્ય ન બને, તો વિવિધ પક્ષોના નેતાઓ અને સાંસદો પોતે હોસ્પિટલ આવીને આ શરતો પૂરી કરવાનો ભરોસો આપે.
હોસ્પિટલમાં ‘ગેરકાયદે અટકાયત’નો આરોપ
28 જૂનથી સતત ભૂખ હડતાળ પર ઉતરેલા સોનમ વાંગચુકે હોસ્પિટલ પ્રશાસન અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે હાલમાં તેમને હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલ પરિસરમાં તેમની હરવા-ફરવાની આઝાદી છીનવી લેવાઈ છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તેમજ લોકો સાથે સંવાદ કરવાના અધિકારો પર વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
WHEN WILL I END THE FAST….!
Not withstanding my health my fast continues till after the Sansad Chalo March, and will be broken only under the following circumstances… pic.twitter.com/kaOGx2Nk4T— Sonam Wangchuk (@Wangchuk66) July 20, 2026
આંદોલનની મુખ્ય માંગણીઓ
સોનમ વાંગચુકનું આ આંદોલન મુખ્યત્વે દેશની પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા, પેપર લીકની ઘટનાઓ બદલ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહ્યું છે. આ ઉપરાંત, તેઓ લદ્દાખના પર્યાવરણ, સંસ્કૃતિના સંરક્ષણ, બંધારણની છઠ્ઠી અનુસૂચિ (6th Schedule) હેઠળ સુરક્ષા અને લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની જૂની માંગણીઓ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબદારી માંગી રહ્યા છે. સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે યોજાનારી ‘ચલો સંસદ’ માર્ચને પગલે દિલ્હી પોલીસ એલર્ટ પર છે.




