ચાંદીના ભાવોએ રચ્યો નવો ઈતિહાસ, સૌપ્રથમ વાર ત્રણ લાખ રૂપિયાને પાર

નવી દિલ્હીઃ સોમવારે વાયદા બજારમાં ચાંદીના ભાવોએ નવો ઈતિહાસ રચ્યો. રોકાણકારોની મજબૂત માગ અને હકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ચાંદી પહેલી વાર ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર ઉપર પહોંચી, જેને કારણે કોમોડિટી બજારમાં ભારે હલચલ જોવા મળી.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર માર્ચ ડિલિવરીવાળા ચાંદીના કોન્ટ્રેક્ટના વાયદા ભાવમાં 13,553 રૂપિયા અથવા 4.71 ટકાની ભારે તેજી નોંધાઈ અને ભાવ 3,01,315 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યા. ચાર મહિના કરતાં પણ ઓછા સમયમાં તેણે લોકોના પૈસા બમણા કરી દીધા છે. સોમવારે MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીનો ભાવ 3 લાખને પાર પહોંચી ગયો. MCX પર ચાંદીનો તાજો ભાવ લગભગ 5 ટકા વધારા બાદ 3,01,315 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આ ભાવ ચાંદીની માર્ચ ડિલિવરીના છે.

બીજી તરફ સોનામાં પણ લગભગ બે ટકાના અથવા 3000 રૂપિયાની તેજી જોવા મળી છે. MCX ગોલ્ડ (ફેબ્રુઆરી ડિલિવરી)નો ભાવ 1,45,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

ચાર મહિનામાં પૈસા બમણા થયા?

ચાંદીના ભાવ બહુ ઓછા સમયમાં જ ઝડપથી વધી ગયા છે. ચાર મહિનાથી પણ ઓછા સમયમાં તેણે રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. MCX પર ચાંદીના વાયદા ભાવોએ ઓક્ટોબર 2025ની શરૂઆતમાં પહેલી વાર 1,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું સ્તર પાર કર્યું હતું.

સ્પોટ માર્કેટની વાત કરીએ તો દિલ્હી હાજર બજારમાં ચાંદીની કિંમત 29 સપ્ટેમ્બર, 2025એ 1,50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક સ્તરે પહોંચી હતી. આજે, 19 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીના ભાવોએ નવો ઈતિહાસ રચ્યો છે. MCX પર માર્ચ વાયદાનો ભાવ 3,01,315 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. એટલે કે માત્ર 3 મહિના અને 20 દિવસમાં જ રોકાણકારોના પૈસા  બે ગણા થઈ ગયા છે.