લખનૌઃ શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ મામલે હિંદુ પક્ષને અલાહાબાદ હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. હિંદુ પક્ષે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે ભવિષ્યમાં આ મામલાની તમામ કાર્યવાહી દરમ્યાન શાહી ઈદગાહ મસ્જિદને “વિવાદિત ઢાંચો” તરીકે સંદર્ભિત કરવામાં આવે, પણ કોર્ટે એ માગને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
હિંદુ પક્ષે અનેક દલીલો આપીને પોતાની માગના સમર્થનમાં દલીલો કરી હતી, પણ જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે અરજી ફગાવી કરવાનો આદેશ આપ્યો. આ કેસમાં કુલ 18 કેસોની એકસાથે સુનાવણી ચાલી રહી છે. આ કેસોમાં એ પણ માગ કરવામાં આવી છે કે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની પરિસરમાંથી ગેરકાયદે કબજો” દૂર કરાય. અરજદારોએ દલીલ કરી છે કે શાહી ઈદગાહ મસ્જિદ એક ગેરકાયદે કબજાની માફક છે.
શા માટે છે આ વિવાદ?
આ વિવાદ ઉત્તર પ્રદેશના મથુરા શહેરમાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદને લઈને છે. કહેવાય છે કે આ મસ્જિદ મુઘલ બાદશાહ ઔરંગઝેબના સમયકાળમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ પર આવેલા એક પ્રાચીન મંદિરને તોડીને બનાવી હતી.
1968માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી ઈદગાહ ટ્રસ્ટ વચ્ચે એક કરાર થયો હતો, જેમાં બંને ધાર્મિક સ્થળોને સાથે-સાથે ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ આ કરારની કાનૂની માન્યતાને પડકારવામાં આવી છે. કરાર પર વિવાદ કરતી પાર્ટીઓનો દાવો છે કે આ કરાર છેતરપિંડીથી કરવામાં આવ્યો હતો અને કાયદેસર રીતે અમાન્ય છે. કેટલીક અરજીઓમાં શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની પણ માગ કરવામાં આવી છે.
