અમદાવાદ: ભારતમાં મોટરસ્પોર્ટ્સના શોખીનો અને ગેમિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ (MFRL) દ્વારા ભારતના પ્રથમ અધિકૃત Formula 1® પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ચહેરા તરીકે ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવી છે.
F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026
મુંબઈ ફાલ્કન્સને સત્તાવાર Formula 1® દ્વારા માન્યતા પ્રાપ્ત ‘સિમ રેસિંગ’ સ્પર્ધા આયોજિત કરવાનો અધિકાર મળ્યો છે. આ અંતર્ગત ‘F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026’ યોજાશે, જે દેશના ખૂણે-ખૂણેથી રેસિંગ પ્રતિભાઓને શોધીને તેમને વૈશ્વિક મંચ પૂરો પાડશે.
કેમ શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવી?
શ્રેયસ ઐયર માત્ર મેદાન પર જ નહીં, પણ મેદાન બહાર પણ યુવા પેઢીમાં લોકપ્રિય છે. તેમની શિસ્ત, નેતૃત્વ ક્ષમતા અને ડિજિટલ યુગના યુવાનો સાથેના જોડાણને કારણે તે આ પ્રોગ્રામ માટે શ્રેષ્ઠ પસંદગી સાબિત થયા છે.
પોતાની નવી ભૂમિકા વિશે શ્રેયસ ઐયરે જણાવ્યું હતું કે, “આ એવી પહેલ છે જેનો હું બાળપણમાં ભાગ બનવા માંગતો હતો. મુંબઈ ફાલ્કન્સ જે રીતે યુવાનો માટે ભવિષ્યનો માર્ગ તૈયાર કરી રહી છે, તેનો ભાગ બનતા મને ગર્વ છે.”
કઈ રીતે રમાશે આ ચેમ્પિયનશિપ?
ગેમ પ્લેટફોર્મ: આ સ્પર્ધા F1® 25 (સત્તાવાર FIA Formula 1® World Championship™ ગેમ) પર રમાશે.
ડિવાઈસ: સ્પર્ધકો PC, પ્લેસ્ટેશન 5 અને એક્સબોક્સ (Xbox) દ્વારા ભાગ લઈ શકશે.
પ્રોસેસ: શરૂઆતમાં ઓનલાઈન ક્વોલિફાયર રાઉન્ડ થશે, ત્યારબાદ શહેર આધારિત સિમ્યુલેટર રાઉન્ડ અને અંતે નવેમ્બરમાં મુંબઈમાં ગ્રાન્ડ ફાઈનલ યોજાશે.
નોંધણી (Registration) ક્યારથી શરૂ થશે?
આ સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન 30 એપ્રિલ, 2026થી શરૂ થઈ ચૂક્યા છે. રસ ધરાવતા યુવાનો MFRL એપ (પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ) દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે.
મુંબઈ ફાલ્કન્સના મેનેજિંગ ડિરેક્ટર અમિત ગઢોકે આ અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, ભારત પાસે વિશ્વ સ્તરની રમતગમત પ્રતિભાઓ છે અને આ પ્લેટફોર્મ તેમની ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે.




