સુરતમાં ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ઉજવણી

Gujarat Foundation Day: Surat Police Enthralls Citizens with Grand Torchlight Drill and Brave Stunts in the Presence of MoS Harsh Sanghavi

સુરત: ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શહેરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ દ્વારા અદ્દભુત પ્રદર્શન – ‘ભવ્ય મશાલ પી.ટી ટોર્ચ લાઈટ ડ્રિલ યોજાઈ હતી. જેમાં પોલીસ જવાનોએ સાહસિક કરતબો રજૂ કરી શૌર્ય, શિસ્ત, એકાગ્રતા તેમજ શારીરિક સજ્જતા અને ક્ષમતાનું પ્રદર્શન કરી સુરતવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહી પોલીસ જવાનોના અદભૂત કરતબો નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોલીસ બેન્ડના સુમધુર અને જોશીલા સૂરો સાથે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ જમીર, જેસીપી (ક્રાઈમ) કરણરાજ વાઘેલા, ટ્રાફિક જેસીપી સજ્જનસિંહ તેમજ સેક્ટર-1 અને સેક્ટર-2ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી. સંદીપ દેસાઈ, સંગીતાબેન પાટીલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં સુરતના નગરજનોએ આ ઉત્સવનો આનંદ માણ્યો હતો.પોલીસ જવાનોના અવનવા કરતબો

ચેતક કમાન્ડોએ રજૂ કરેલો ‘બસ હાઈજેક’ ડેમો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ચેતક કમાન્ડોએ અત્યંત કુશળતાપૂર્વક આતંકવાદી સંગઠનો સામે કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવે છે તેનું જીવંત પ્રદર્શન કરી લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો હતો. ત્યારબાદ અમદાવાદ જીપકા ટ્રેનિંગ સેન્ટરના ૩૦૦ પોલીસ જવાનોએ હાથમાં સળગતી મશાલ લઈ ‘મશાલ પી.ટી.’ રજૂ કરી હતી. અંધકારમાં મશાલના પ્રકાશ સાથે જવાનોએ ‘નો ડ્રગ્સ’, ‘જય તાપી’, ‘ગુજરાત પોલીસ’ અને ‘જય હિંદ’ જેવી આકૃતિઓ તેમજ પગથિયાં અને તોરણની રચના કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મશાલ સાથે ગરબાના તાલ પર ઝૂમતા જવાનોએ સુરતવાસીઓને ડોલાવ્યા હતા.સુરત પોલીસના ૧૭ અશ્વ સવાર જવાનોએ અશ્વ દોડ અને વિવિધ કરતબો રજૂ કર્યા હતા. સુરતના નાગરિકોએ પોલીસ દળની આ શિસ્ત, સાહસ અને કળાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સમગ્ર કાર્યક્રમે સુરત પોલીસની સજ્જતા, ક્ષમતા, જનસુરક્ષાની પ્રતિબદ્ધતા અને દેશભક્તિના દર્શન કરાવ્યા હતા.