લાઈટ.. કેમેરા.. એક્શન… સુરતનાં ભરચક ચૌટા બજારમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ

સુરત: શહેરમાં અવાર-નવાર ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થતું જ હોય છે. કેટલીક બોલીવુડ ફિલ્મનું લોકેશન પણ સુરત બન્યું છે. પણ સુરતનો એક વિસ્તાર જ્યાં ભારે ભીડ રહે છે એ ચૌટા બજાર વિસ્તાર એટલે મહિલાઓ માટે ખરીદીનું બેસ્ટ ઓપ્શન. અઠવાડિયાના સાતેય દિવસ અહીં ભીડ જોવા મળે અને ભીડ પણ એવી કે પગપાળા ચાલવામાં પણ મુશ્કેલી થઇ પડે. આ એરિયામાં ફિલ્મનું શૂટિંગ કરવું એમ તો મુશ્કિલ સહી, પણ નામુમકીન તો નહીં જ. હમણાં જ એક ગુજરાતી ફિલ્મના એક સીનનું અહીં શૂટિંગ થયુ હતું.પ્રોડ્યુસર બ્રિજેશ નરોલા અને ડાયરેક્ટર હેમા શુક્લાની ગુજરાતી ફિલ્મ DEDA ફિલ્મના કલાકારો હમણાં સુરતનાં વિવિધ લોકેશન પર ફિલ્મ શૂટ કરી રહ્યા છે. જેમાં ચૌટા બજારની નાની નાની ગલીઓમાં ફિલ્મનાં અમુક સીનનું મુખ્ય હીરોનું શૂટિંગ થયું હતું. અભિનેતા ગૌરવ પાસવાલા સુરતનો જ કલાકાર છે. એ ચિત્રલેખા.કોમને કહે છે, “ફિલ્મનો મૂડ સુરતી છે. ચૌટા બજાર સુરતની ઓળખ સમાન છે. હું ઘણીવાર અહીં આવ્યો છું, ચાલવામાં પણ ભારે તકલીફ ઊભી થાય ત્યાં શૂટિંગની વાત આવતા પહેલા તો મે ડાયરેકટરને કહ્યું આ વિસ્તારમાં શૂટિંગ કરવું લોઢાના ચણા ચાવવા જેવુ થશે તો ડાયરેકટર કહે કઇ નહીં ચાવી લઈએ, ને અહી અમુક શોટ્સ ઓકે થયા. અલબત્ત અઘરું હતું પણ લોકોએ પણ સહકાર આપ્યો અને શૂટિંગ પૂરું થયું.”આ ફિલ્મ પિતાના જીવન ઉપર આધારિત છે. મુશ્કેલીઓમાં પોતાના બાળક માટે પિતા કેટલી હદ સુધી જઈ શકે એ ફિલ્મનો વિષય છે.

(અરવિંદ ગોંડલિયા – સૂરત)