દુબઈમાં IIM-Aના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન

અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A) ના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટી ખાતે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બિઝનેસ સ્કૂલ IIM-Aનું કેમ્પસ શરૂ કરવામાં આવ્યું છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ, નાયબ વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને દુબઈની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ, હિઝ હાઇનેસ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે આ કેમ્પસને ખુલ્લું મૂક્યું છે. અમીરાતમાં IIM-Aના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદઘાટન એ UAE -ભારત વચ્ચેના ઊંડા સંબંધો અને વધતી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે પ્રતિષ્ઠિત સંસ્થાનું દુબઈમાં સ્વાગત કર્યું. તેમણે કહ્યું, “દુબઈ ઝડપથી વિદ્યાર્થીઓ માટે પસંદગીના સ્થળ તરીકે આગળ વધી રહ્યું છે. પ્રતિભા, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. યુવાનોની ઊર્જા અને મહત્વાકાંક્ષા દુબઈના ભવિષ્યના પ્રેરક બળ છે. ઝડપથી બદલાતા આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં સફળ થવા માટે તેમને જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોથી સજ્જ કરીને, અમે તેમને આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવી રહ્યા છીએ.”

આગળ વાત કરતાં તેમણે કહ્યું, “દુબઈ આર્થિક એજન્ડા D33, જેનો ઉદ્દેશ્ય દુબઈને વિશ્વની ટોચની ત્રણ શહેરી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવાનો છે. સરકારની એજ્યુકેશન 33 સ્ટ્રેટજી અનુસાર વર્ષ 2033 સુધીમાં દુબઈને વિશ્વના ટોચના 10 વિદ્યાર્થી શહેરોમાંનું એક બનાવવાનો અમારો ટાર્ગેટ છે. તેની સાથે સુસંગત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગ રૂપે વિશ્વ-સ્તરીય યુનિવર્સિટીઓના કેમ્પસ દુબઈમાં લાવવા માટેનું કામ ચાલુ છે.”

IIMA ના અત્યાધુનિક દુબઈ કેમ્પસના ઉદઘાટન પ્રસંગે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન; યુ.એ.ઈ.માં ભારતના રાજદૂત સંજય સુધીર અને IIMAના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિ રહ્યા હતા.

આ પ્રસંગે ભારત સરકારના ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યૉં, “શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ દ્વારા IIM અમદાવાદ-દુબઈ કેમ્પસનું ઉદ્ઘાટન કરવું તે ભારતના શિક્ષણના વૈશ્વિકરણ તરફનું એક વધુ પગલું છે. ભારત-યુએઈ જ્ઞાન સહયોગમાં એક નવો સીમાચિહ્નરૂપ, દુબઈએ IIM અમદાવાદ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું આયોજન કરીને ‘ભાવનામાં ભારતીય, દૃષ્ટિકોણમાં વૈશ્વિક’ ના સિદ્ધાંતને એક સંપૂર્ણ લોન્ચપેડ પૂરું પાડ્યું છે.”

IMA દુબઈ કેમ્પસ દ્વારા શરૂ કરાયેલો પહેલો કાર્યક્રમ એક પૂર્ણ-સમયનો એક વર્ષનો MBA પ્રોગ્રામ છે, જે વૈશ્વિક વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોની અદ્યતન શિક્ષણ અને કૌશલ્ય વૃદ્ધિની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ છે જેઓ તેમની મેનેજમેન્ટ કુશળતા વધારવા માંગે છે. પાંચ ટર્મમાં રચાયેલ, આ કાર્યક્રમ ઉચ્ચ-કેલિબર શિક્ષણ વાતાવરણમાં સખત શૈક્ષણિક અનુભવ અને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પ્રદાન કરશે જે IIMA ના ઉચ્ચ ક્રમાંકિત MBA ના વૈશ્વિક ધોરણોને પ્રતિબિંબિત કરે છે.