શર્મિષ્ઠા તળાવના કિનારે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાયો

ગાંધીનગર: ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના દર રવિવારે ઐતિહાસિક શહેર વડનગરના શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ સંપન્ન થયો. ભક્તિ, શાસ્ત્રીય સંગીત અને સાંસ્કૃતિક વારસાના આ અનોખા મહોત્સવને પ્રવાસીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં ચાર રવિવાર દરમિયાન કુલ ૫૩,૫૧૫ થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

ચાર રવિવારના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી

  • પ્રથમ રવિવાર (૧૬ ઓગસ્ટ): ગણેશ વંદના, શિવ તાંડવ, શિવ પંચાક્ષર સ્તોત્રમ, શંખ-ઘંટનાદ, વૈદિક રુદ્રપાઠ અને શિવ ભજનોનું આયોજન કરાયું. બીજો રવિવાર (૨૩ ઓગસ્ટ): સિતાર અને વાંસળી જુગલબંધી, ક્લાસિકલ પર્ફોર્મન્સ, ‘ભૂ શંભુ’ કાર્યક્રમ તથા મહાઆરતી યોજાઈ.

  • ત્રીજો રવિવાર (૩૦ ઓગસ્ટ): હાટકેશ્વર મહાદેવની પ્રસ્તુતિ, શિવ સ્તુતિ અને તરણેતરના જાણીતા હુડો રાસની રજૂઆતે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.

  • ચોથો રવિવાર (૬ સપ્ટેમ્બર): આખરી દિવસે શિવ તાંડવ નૃત્ય, જીવંત ભજન સંધ્યા અને ૧૧ બ્રાહ્મણો તથા ૧૪ કલાકારો દ્વારા શંખનાદ, ઘંટનાદ અને ઢોલ સાથે ભવ્ય શિવ આરતી કરવામાં આવી.

આકર્ષણનું કેન્દ્ર: લાઇટ એન્ડ સાઉન્ડ શો

શ્રાવણોત્સવ દરમિયાન શર્મિષ્ઠા તળાવ પરિસરમાં કરાયેલું વિશેષ આકર્ષક લાઇટિંગ અને લેસર/લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યો હતો. આ તકે મુલાકાતીઓએ વડનગરના ઐતિહાસિક સ્થળો જેવાં કે હાટકેશ્વર મહાદેવ મંદિર, કીર્તિ તોરણ, તાના-રીરીની સમાધિ અને આર્કિયોલોજિકલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.

પ્રવાસીઓની આંકડાકીય માહિતી

  • કુલ પ્રવાસીઓ (૫૩,૫૧૫): ૧૬ ઓગસ્ટે ૧૦,૪૨૭, ૨૩ ઓગસ્ટે ૧૩,૬૪૪, ૩૦ ઓગસ્ટે ૧૪,૦૪૮ અને ૬ સપ્ટેમ્બરે ૧૫,૩૯૬ પ્રવાસીઓએ મુલાકાત લીધી.

  • સાંસ્કૃતિક કાર્યક્રમના શ્રોતાઓ (૧૫,૪૭૪): ચારેય રવિવારની સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કુલ ૧૫,૪૭૪ મુલાકાતીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર આયોજન દ્વારા ગુજરાત પ્રવાસન નિગમે વડનગરની વૈશ્વિક ધરોહર અને સાંસ્કૃતિક ભવ્યતાને ફરી એકવાર ઉજાગર કરી છે.