ચારકોલ અને ગ્રેફાઇટના અનોખા સંગમથી અમદાવાદની ગુફા જીવંત બની

અમદાવાદ: શહેરના કલા જગત અને કલાપ્રેમીઓએ શાઈના શાહના સોલો આર્ટ પ્રદર્શન ‘ઇન બ્લેક એન્ડ વ્હાઇટ’ના ઉદ્ઘાટન દિવસે ઉત્સાહભેર હાજરી આપી હતી, જેમાં પ્રથમ દિવસે જ ૪૦૦થી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતા. અમદાવાદની ગુફા સ્થિત ચેસ્ટર હર્વિટ્ઝ આર્ટ ગેલેરી ખાતે શરૂ થયેલા આ પ્રદર્શનમાં ૩૪થી વધુ મૌલિક ચારકોલ અને ગ્રેફાઇટ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે.

ત્રણ દાયકાની કલાયાત્રાને આવરી લેતા આ પ્રદર્શનમાં ૬x૬ ઇંચની સૂક્ષ્મ લઘુકૃતિઓથી લઈને ૬x૩ ફૂટના વિશાળ કેનવાસ સુધીની કૃતિઓ જોવા મળે છે. હાયપરરિયાલિઝમ, એબ્સ્ટ્રેક્શન, પોટ્રેટ અને વન્યજીવન જેવા વિવિધ વિષયો પરની આ કૃતિઓ માત્ર કાળા અને સફેદ રંગો દ્વારા ઊંડાણ, ટેક્સચર અને ભાવનાત્મક અભિવ્યક્તિ રજૂ કરે છે.

માત્ર ત્રણ વર્ષની વયે ચિત્રકામ શરૂ કરનાર શાઇના શાહે નવ વર્ષની ઉંમરે ૧૦૦થી વધુ કલાકૃતિઓ સાથે પોતાનું પ્રથમ પ્રદર્શન યોજ્યું હતું. પોતાના ગુરુ ભારતીભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ ૨૦ વર્ષ સુધી તાલીમ લઈ તેમણે અત્યાર સુધીમાં ૧,૦૦૦થી વધુ કલાકૃતિઓ તૈયાર કરી છે અને ૨૬ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે.

પ્રદર્શન અંગે વાત કરતા શાઇના શાહે જણાવ્યું હતું કે, “ચારકોલ મારું પ્રિય માધ્યમ છે. તે પાણીની જેમ પ્રવાહી છે અને અગ્નિથી બનેલું છે. આ કૃતિઓને એકત્ર કરવી એક અદ્ભુત અનુભવ રહ્યો છે. હું ઈચ્છું છું કે લોકો આવે, નજીકથી નિહાળે, પ્રશ્નો પૂછે અને કૃતિઓ સાથે પોતાનો સંબંધ શોધે.”

આ પ્રદર્શનનું એક વિશેષ આકર્ષણ શાઇના શાહના ‘WOW વિમેન પ્રોજેક્ટ’ હેઠળ તૈયાર કરાયેલા પસંદગીના પોટ્રેટ્સ છે, જેમાં ૧૯૬ દેશોની ૧૯૬ મહિલાઓની જીવનકથાઓને કલા, વાર્તાઓ અને પત્રો દ્વારા દસ્તાવેજીકૃત કરવામાં આવી છે. પ્રથમ વખત મુલાકાતીઓ આ પ્રોજેક્ટના આઠ પસંદગીના પોટ્રેટ્સ ઓડિયો નેરેટિવ્સ સાથે માણી શકશે. કલાકાર હોવા ઉપરાંત શૈના શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગસાહસિક, ફિલ્મ નિર્માતા અને સામાજિક વિકાસ ક્ષેત્રે પણ સક્રિય છે.

આ પ્રદર્શન ૨૫ નવેમ્બરથી ૨૯ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન સાંજે ૪:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી યુનિવર્સિટી વિસ્તાર સ્થિત ચેસ્ટર હર્વિટ્ઝ આર્ટ ગેલેરી, અમદાવાદની ગુફા ખાતે જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.