દરિયાકાંઠે પેટ્રોલિંગ મજબૂત કરવા BSFના કાફલામાં ૨૫થી વધુ ઇન્ટરસેપ્ટર બોટનો ઉમેરો

ગાંધીનગર: રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા તેમજ દરિયાઈ માર્ગે થતી સંભવિત ઘૂસણખોરી, દાણચોરી અને કટોકટીની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ પોતાના કાફલામાં ૨૫થી વધુ નવી ઇન્ટરસેપ્ટર બોટ સામેલ કરી છે.આ નવી ઇન્ટરસેપ્ટર બોટની મદદથી BSFની ટીમો શંકાસ્પદ જહાજો અથવા બોટને ટ્રેક કરવા, તેનો પીછો કરવા અને તપાસ માટે અટકાવવા માટે વધુ સક્ષમ બનશે. ઘણી વખત દાણચોરો નિયમિત માછીમારીની બોટ અથવા નાની હોડીઓની આડમાં ગતિવિધિ કરતા હોય છે. નાની અને ઝડપી ઇન્ટરસેપ્ટર બોટ દિશા ઝડપથી બદલી શકે છે અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધીને તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે.

સુરક્ષા ઉપરાંત આ બોટનો ઉપયોગ દરિયામાં ફસાયેલા માછીમારોને બચાવવા, અકસ્માતગ્રસ્ત હોડીઓને મદદ કરવા અને દરિયામાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે પણ અન્ય એજન્સીઓ સાથે મળીને કરવામાં આવશે. BSFના જવાનોને બોટ સંચાલન, નેવિગેશન, જાળવણી તેમજ બદલાતા હવામાન અને દરિયાઈ પરિસ્થિતિમાં કામગીરી કરવાની વિશેષ તાલીમ પણ આપવામાં આવશે.

ગુજરાતનો દરિયાકાંઠો મહત્વપૂર્ણ બંદરો અને ઔદ્યોગિક કેન્દ્રો ધરાવે છે, જ્યાં વાણિજ્યિક જહાજો અને માછીમારીની બોટોની સતત અવરજવર રહે છે. પાકિસ્તાનની સરહદ નજીક હરામી નાળા સહિતના વિસ્તારોમાં BSF દરિયાઈ સરહદ પર નજર રાખે છે. દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છીછરા પાણી અને બદલાતી ભરતી-ઓટને કારણે પરંપરાગત મોટા જહાજો પહોંચી શકતા નથી, જેથી વિવિધ ક્ષમતા અને કદની બોટનો ઉપયોગ કરવામાં આવે છે.