અમદાવાદઃ શેરબજારમાં બુધવારે જોરદાર લેવાલી જોવા મળી હતી અને બજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1,502.29 પોઈન્ટ વધીને 83,938.28ના સ્તરે બંધ થયો હતો. જ્યારે 50 શેરનો નિફ્ટી 469.60 પોઈન્ટના ઉછાળા સાથે 25,819.25 પર બંધ થયો હતો. બંને ઇન્ડેક્સમાં 1.80 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.
બજારમાં આ ખરીદદારી પાછળ શું કારણ છે?
ભારતીય શેરબજારમાં જોરદાર તેજી માટે સૌથી મોટું પરિબળ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની વાપસી છે. બજાર વિશ્લેષકના જણાવ્યાનુસાર ઘણા મહિનાઓ સુધી સતત વેચવાલી કર્યા બાદ વિદેશી રોકાણકારો હવે મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. તેનાથી સંકેત મળે છે કે અન્ય ઊભરતાં બજારોની સરખામણીએ ભારત પ્રત્યે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરની નરમાઈ પણ સકારાત્મક સંકેત છે, કારણ કે તેનાથી ભારતના આયાત બિલ, મોંઘવારી અને અર્થતંત્રની સ્થિરતા અંગેની ચિંતાઓ ઘટે છે. ડોલર સામે રૂપિયામાં મજબૂતી આવવાથી પણ બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું છે.
બીજું મહત્ત્વનું કારણ વૈશ્વિક સ્તરે રોકાણના વલણમાં ફેરફાર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સાથે જોડાયેલી ટેક કંપનીઓના ઊંચા મૂલ્યાંકન અંગે વધતી ચિંતાઓ વચ્ચે રોકાણકારો ભારત જેવાં બજારોમાં નવી તકો શોધી રહ્યા છે. ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ એક તબક્કે 2000 પોઈન્ટથી વધુ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ફરી 25,950ની સપાટી પાર પહોંચ્યો હતો. બંને ઇન્ડેક્સ જોરદાર વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટી મિડકેપ 100 આજે 0.33 ટકા મજબૂત થયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 વધારાની ગતિ ગુમાવીને 0.44 ટકા નબળો પડ્યો હતો. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ચાર લાખ કરોડથી વધુ વધ્યું હતું.

વિદેશી રોકાણકારોની ધમાકેદાર ખરીદદારી
વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદારીથી બજારને મજબૂત ટેકો મળી રહ્યો છે. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રૂ. 25 લાખની નજીવી વેચવાલી બાદ 23 નવેમ્બરે સતત 16મો ટ્રેડિંગ દિવસ રહ્યો હતો, જ્યારે વિદેશી રોકાણકારોએ વેચવાલી કરતાં વધુ ખરીદદારી કરી હતી. આ 16 દિવસ દરમિયાન તેમણે કુલ રૂ. 1,21,220.92 કરોડના શેરની ચોખ્ખી ખરીદારી કરી હતી. જેમાંથી રૂ. 5672.99 કરોડની ચોખ્ખી ખરીદારી તો 23 નવેમ્બરે બજારમાં ભારે ઘટાડા દરમિયાન કરવામાં આવી હતી.
ઇન્ડિયા વીઆઈએક્સમાં નરમાઈ
બજારમાં ભય અને અસ્થિરતાને માપતા ઇન્ડિકેટર ઇન્ડિયા વીઆઈએક્સમાં ઘટાડાથી પણ સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. આજે ઇન્ડિયા વીઆઈએક્સ 0.28 ટકા ઘટીને 17.65 પર બંધ થયો હતો.




