સુરક્ષા દળોએ કાશ્મીરમાં ૮૦થી વધુ બેઝ કેમ સ્થાપિત કર્યા?

શ્રીનગર: ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં આશરે ૬૫ વિદેશી આતંકવાદીઓ સક્રિય હોવાનું અનુમાન છે, જેમાંથી લગભગ ૫૫ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે, જ્યારે બાકીના ૧૦ આતંકીઓ મોટા આતંકી સંગઠનો દ્વારા સમર્થિત નાના જૂથો સાથે સંકળાયેલા છે.આતંકવાદ વિરોધી કામગીરીને વધુ સઘન બનાવવા માટે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના દુર્ગમ અને પર્વતીય વિસ્તારોમાં ૮૦થી વધુ ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOBs) સ્થાપિત કર્યા છે, જેમાં ઘણા બેઝ ૧૦,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈએ આવેલા છે. આ બેઝ પર ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી આતંકીઓ જંગલો અને પર્વતોને છુપાવાના આશ્રયસ્થાન તરીકે ન વાપરી શકે.

પહેલગામ આતંકી હુમલા બાદ આ વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી હતી અને પ્રથમ બેઝ જુલાઈ ૨૦૨૫માં શ્રીનગરના ફકીર ગુજરી વિસ્તારમાં સ્થાપિત કરાયો હતો. ત્યારબાદ સંવેદનશીલ પર્વતીય વિસ્તારોમાં નિગરાની અને ઓપરેશન્સ મજબૂત કરવા માટે આવા વધુ બેઝ ઊભા કરવામાં આવ્યા છે.

સુરક્ષા એજન્સીઓને શંકા છે કે ઘણા આતંકીઓ ગાઢ જંગલો, પર્વતની ગુફાઓ અને ભરવાડો દ્વારા ઉનાળામાં વપરાતા માટી-પથ્થરના પરંપરાગત આશ્રયસ્થાનો (‘ઢોક’)માં છુપાયેલા છે. આતંકીઓ સામાન્ય સંચાર માધ્યમોનો ઉપયોગ ટાળતા હોવાથી તેમને શોધવાનું પડકારજનક બને છે, જેથી સુરક્ષા દળો સ્થાનિક ગુપ્ત માહિતી અને બાતમીદારો પર આધાર રાખીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

દરમિયાન, છેલ્લા બે વર્ષમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં લગભગ અડધો ડઝન સ્થાનિક આતંકીઓ ઠાર મરાયા છે અને નવી ભરતી પણ અટકી ગઈ હોવાથી સ્થાનિક આતંકી સંખ્યા શૂન્ય પર પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સુરક્ષા એજન્સીઓ શંકાસ્પદ સ્થાનિક સહયોગીઓ અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) ની ગતિવિધિઓ પર પણ ચાંપતી નજર રાખી રહી છે.