આજે સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી

ભારતીય શેરબજાર માટે મંગળવાર ખૂબ જ શુભ દિવસ હતો. બેન્કિંગ શેરોમાં આવેલી શાનદાર તેજીને કારણે સેન્સેક્સ ટ્રિપલ સેન્ચ્યુરી સાથે બંધ થયો છે. આજના કારોબારમાં BSE સેન્સેક્સ 311 પોઈન્ટના વધારા સાથે 60,157 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 98 પોઈન્ટના વધારા સાથે 17,722 પોઈન્ટ પર બંધ થયો હતો.આજે બજારમાં આવેલી તેજીની અસર એવી હતી કે સેન્સેક્સ ફરી 60,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે.

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. જ્યારે આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સ ઘટીને બંધ રહ્યા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 39 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30માંથી 20 શેરો ઉછાળા સાથે અને 10 નુકસાન સાથે બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના કારોબારમાં કોટક મહિન્દ્રા બેન્ક 5 ટકા, ટાટા સ્ટીલ 2.43 ટકા, ITC 1.90 ટકા, ICICI બેન્ક 1.65 ટકા, મારુતિ સુઝુકી 1.42 ટકા, બજાજ ફિનસર્વ 1.41 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.3 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. ટકા જ્યારે TCS 1.50 ટકા, ઇન્ફોસિસ 1.42 ટકા, HCL ટેક 1.41 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો

આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 264.52 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 263.13 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.39 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે.