અમદાવાદઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા કરવામાં આવેલા ભારે વેચવાલી, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય સંઘર્ષ વચ્ચે અમેરિકન બોન્ડની વધતી યિલ્ડને કારણે ભારતીય શેરબજાર સંવત 2082માં છેલ્લાં 15 વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન નોંધાયું છે. સંવત 2082માં અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટી50માં અનુક્રમે 8.4 ટકા અને 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100એ આ સમયગાળા દરમિયાન અનુક્રમે 4.5 ટકા અને 0.3 ટકાનું વળતર આપીને બજાર કરતાં સારું પ્રદર્શન કર્યું છે.
આ અગાઉ સંવત 2067માં બેન્ચમાર્ક સૂચકાંકોમાં 17 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. તે સમયે નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં અનુક્રમે 28 ટકા અને 25 ટકાનો ઘટાડો થયો હતો. સંવત 2082 દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રૂ. 3.03 લાખ કરોડ (32.36 અબજ ડોલર)નું રોકાણ પાછું ખેંચ્યું છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રૂ. 7.74 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નહીં થાય અને બોન્ડ યિલ્ડમાં નરમાઈ નહીં આવે તો આગામી સંવત પણ સંવત 2082 જેટલું જ પડકારજનક રહી શકે છે. આલ્ફાનિટી ફિનટેકના સહ-સ્થાપક અને ડિરેક્ટર યુ.આર. ભટે જણાવ્યું હતું કે જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે તો શેરબજારને મોટો લાભ થશે. ખાસ કરીને લાર્જકેપ શેરોને વધુ લાભ થશે, કારણ કે વિદેશી રોકાણકારોએ સૌથી વધુ વેચવાલી આ શેરોમાં કરી છે. પશ્ચિમ એશિયાનો સંકટ ઉકેલની નજીક નહીં પહોંચે ત્યાં સુધી ભારતીય બજાર પર દબાણ યથાવત્ રહેશે.
વ્યાપક બજારમાં પણ નબળાઈ
નિફ્ટી 500માં સામેલ કુલ 500 શેરોમાંથી 287 શેર એટલે કે 57 ટકાએ સંવત 2082 દરમિયાન નેગેટિવ રિટર્ન આપ્યું છે. આ 287 શેરોમાંથી 140 શેરના બજારભાવમાં 20 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે, નિફ્ટી 500ના 17 શેરોએ આ સમયગાળા દરમિયાન પોતાની બજાર કિંમત બમણાથી વધુ કરી છે. અન્ય 28 શેરોની બજાર કિંમતમાં 50થી 93 ટકા સુધીનો વધારો થયો છે, જ્યારે 50 શેરોમાં 25થી 49 ટકા સુધીની તેજી જોવા મળી છે.






