SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચને હાઇકોર્ટનો મોટો ઝટકો

ગોવામાં મતદાતા યાદી સંબંધિત હાથ ધરાયેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) અંગે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે બોમ્બે હાઇકોર્ટની ગોવા પીઠે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. અદાલતે 5 નવેમ્બર, 2026ના રોજ ભારત નિર્વાચન આયોગને આદેશ આપ્યો છે કે ગોવામાં તાજેતરમાં હાથ ધરાયેલા SIR દરમિયાન મતદાતા યાદીમાંથી જે એક જ પરિવારના 6 સભ્યોના નામ બાદ કરવામાં આવ્યા હતા, તેમને પુનઃ યાદીમાં સામેલ કરવામાં આવે.

ન્યાયમૂર્તિ વાલ્મીકિ મેનેઝેસ અને ન્યાયમૂર્તિ અમિત જામસાંડેકરની ખંડપીઠે 4 દિવસ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ ગુરુવારે આ નિર્ણય સંભળાવ્યો હતો. ખંડપીઠે આ નિર્ણય સંભળાવતા સ્પષ્ટ કર્યું કે અરજી સ્વીકારવામાં આવે છે. નિર્વાચન આયોગની એ દલીલને ફગાવી દેવામાં આવી છે કે SIRનો મામલો સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ હોવાથી આ અરજીની સુનાવણી મુલતવી રાખવી જોઈએ. આ કેસ SIR સાથે જોડાયેલો નથી. આથી, ગોવાના સાન્તાક્રુઝ મતવિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO)ને આદેશ આપવામાં આવે છે કે તેઓ આજથી 10 દિવસની અંદર આ અરજદારોના નામ મતદાતા યાદીમાં ઉમેરી દે.

હાઇકોર્ટના આ આદેશ બાદ નિર્વાચન આયોગના વકીલ ગૌરીશ અગ્નિએ ચૂકાદા પર સ્ટે આપવાની માંગ કરી હતી, પરંતુ અદાલતે તેનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પીઠે ટિપ્પણી કરી હતી કે મતદાતા યાદીમાં નામ ઉમેરવાના આદેશ પર સ્ટે કેવી રીતે આપી શકાય અને જો આયોગ ઇચ્છે તો તેઓ સર્વોચ્ચ અદાલતમાં જઈને સ્ટે મેળવી શકે છે. આ આદેશ એવા મતદાતાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર આવ્યો હતો જેમણે પોતાના નામ યાદીમાંથી હટાવવા અને ‘ફોર્મ 8’ હેઠળની અરજીઓ રદ કરવાના નિર્ણયને પડકાર્યો હતો.

આ સુનાવણી દરમિયાન નિર્વાચન આયોગે અદાલત સમક્ષ કાર્યવાહી સ્થગિત રાખવા વિનંતી કરી હતી. આયોગે સર્વોચ્ચ અદાલતના એક આદેશનો હવાલો આપીને દલીલ કરી હતી કે હાઇકોર્ટે રિટ અરજીઓ પરની કાર્યવાહી હાલ પૂરતી રોકી દેવી જોઈએ, કારણ કે ગોવામાં આપવામાં આવેલો પડકાર સમગ્ર SIR પ્રક્રિયા સાથે જોડાયેલો છે, જેમાં મતદાતાઓના નામ રદ કરવાની બાબત પણ સામેલ છે. જોકે, અદાલતે પ્રાથમિક દ્રષ્ટિએ માન્યું હતું કે વર્તમાન કેસ અન્ય સ્થળોએ ચાલી રહેલી SIR પડકારોથી અલગ છે, કારણ કે ગોવામાં સુધારણા પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ચૂકી છે.

પીઠે અવલોકન કર્યું હતું કે અપીલના તબક્કે અરજીઓ નકારવી એ વાસ્તવમાં શરૂઆતમાં નામ હટાવવાના નિર્ણયનું જ પરિણામ છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નિર્વાચન આયોગની સ્વચાલિત (ઓટોમેટેડ) સિસ્ટમની પણ આકરા શબ્દોમાં ટીકા કરી હતી, જે ‘ફોર્મ 8’ હેઠળ સરનામામાં ફેરફાર માટેની અરજીઓને યાંત્રિક રીતે રદ કરી દે છે. પીઠે ટિપ્પણી કરી હતી કે મતદાતાઓ પાસે તેમના જૂના રહેઠાણ માટે ‘એન્યુમરેશન ફોર્મ’ પર સહી કરાવવી, તેમને એક રીતે ખોટી જાહેરાત કરવા માટે મજબૂર કરવા સમાન છે.

અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ પ્રકારના આડેધડ આટોમેટેડ ઇનકારો એક સમાવેશી મતદાતા યાદીના માળખાને નબળું નથી બનાવતા? પીઠે સૂચવ્યું કે અરજીઓને સંપૂર્ણપણે રદ કરવાને બદલે તેને અમુક સમય માટે પેન્ડિંગ રાખવી જોઈએ, જેથી જે મતદાતાઓ ખરેખર અન્ય સ્થળે રહેવા ગયા છે તેઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય. આ ઉપરાંત, પોતાની સુધારણા પ્રક્રિયાને યોગ્ય ઠેરવવા માટે ‘લોકભાવના’નો આશરો લેવા બદલ અદાલતે આયોગની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાનૂની કાર્યવાહી બાહ્ય લોકધારણાને આધારે નહીં પરંતુ સંપૂર્ણપણે વૈધાનિક કાયદાઓ મુજબ જ ચાલવી જોઈએ.