રિલાયન્સની આગેવાની હેઠળ સેન્સેક્સ 1000 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે રિલાયન્સ અને ડિફેન્સ શેરોની આગેવાની હેઠળ ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ સુધર્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં લેવાલી થઈ હતી. ડિફેન્સ, ઓઇલ-ગેસ, PSE, ફાર્મા, એનર્જી, અને બેન્કિંગ શેરોમાં લેવાલી થઈ. નિફ્ટી પણ 24,300ને પાર થયો હતો. રિલાયન્સમાં પાંચ ટકાથી વધુની તેજી થઈ હતી.

મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઇન્ડ. લિએ ચોથા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યાં હતાં. કંપનીનો ચોથા ત્રિમાસિક ગાળામાં 2.4 ટકા વધીને રૂ. 19.07 કરોડ રહ્યો હતો, જ્યારે કંપનીની આવક વાર્ષિક ધોરણે 8.8 ટકા વધીને 2.88 લાખ કરોડ રહી હતી. ડિજિટલ, રિટેલ અને ઓઇલ ટુ કેમિકલ બિઝનેસની કંપનીની આવકમાં નોંધપાત્ર સુધારો થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા ટેન્શનને કારમે ડિફેન્સ શેરોમાં તેજી થઈ હતી. ડિફેન્સ ઇન્ડેક્સ 4.5 ટકા સુધર્યો હતો. જેમાં પારસ ડિફેન્સ 12.6 ટકા વધી 1177.70, ગાર્ડન રિય શિપબિલ્ડર્સ 10 ટકા, ડેટા પેટર્ન્સ ઇન્ડિયા 9 ટકા, કોચિન શિપયાર્ડ સાત ટકા, ભારત ડાઇનેમિક સાત ટકા અને મઝગાવ ડોક શિપબિલ્ડર્સ 6.5 ટકા વધ્યા હતા. ટ્રેડિંગ સેશન દરમ્યાન સેન્સેક્સ 1006 પોઇન્ટ વધી 80,218ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 289 પોઇન્ટ ઊછળી 24,329એ પહોંચ્યો હતો. નિફ્ટી બેન્ક 769 પોઇન્ટ ઊછળી 55,433 અને મિડકેપ ઇન્ડેક્સ 870 પોઇન્ટ ઊછળી 54,440ના મથાળે બંધ થયો હતો.

BSE પર કુલ 4206 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2096 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1766 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 150 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 98 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 35 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 325 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 157 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.