ટેરિફ ટેન્શનથી સેન્સેક્સ 850 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના રૂ. 6 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ ઘરેલુ શેરબજાર માટે મંગળવાર અમંગળ પુરવાર થયો હતો. સપ્તાહના બીજા દિવસે સ્થાનિક બજાર ઘટીને બંધ આવ્યો હતો. અમેરિકી ટેરિફથી જોડાયેલી ચિંતાઓને કારણે ચોતરફ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સ આશરે એક ટકા ઘટીને બંધ થયો હતો. ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. રોકાણકારોના રૂ. છ લાખ કરોડ ડૂબ્યા હતા.

વૈશ્વિક બજારોથી સુસ્ત સંકેતોની વચ્ચે શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાના ભારત પર ટેરિફ લગાવવાનું નોટિફિકેશન જારી કરતાં બજારમાં વેચવાલી થઈ હતી. જેથી BSE સેન્સેક્સ 850 પોઇન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી 256 પોઇન્ટ તૂટીને 24,712 પર બંધ થયો હતો.રોકાણકારોએ અમેરિકા તરફથી નોટિસ પર રિએક્ટ કર્યું હતું. અમેરિકાએ ભારતથી આયાત પર કુલ 50 ટકા ટેરિફ લગાવવાની નોટિસ જારી કરી હતી. આ નવા ટેરિફ આવતી કાલથી લાગુ થશે. અમેરિકી વહીવટી તંત્રએ દાવો કર્યો હતો કે ભારતની રશિયાથી ઓઇલ ખરીદી પરોક્ષ રીતે યુક્રેન યુદ્ધમાં મોસ્કોને નાણાકીય મદદ કરે છે. ટ્રમ્પના ટેરિફની અસર કપડાં, રત્ન અને આભૂષણો, ચામડાં, સમુદ્રી ઉત્પાદનો, રસાયણો અને ઓટો પાર્ટ્સ જેવા ઉદ્યોગ પર નકારાત્મક અસર પડશે. ભારત અમેરિકામાં 87 અબજ ડોલરની નિકાસ કરે છે.

BSE પર કુલ 4234 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1026 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3286 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 152 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 108 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 62 શેરોએ 68 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 198 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 245 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.