અમદાવાદઃ સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 25,150ની નીચે સરક્યો હતો. આ ઘટાડાનું મુખ્ય કારણ હતું TCSનાં નિરાશાજનક ત્રિમાસિક પરિણામો બાદ IT શેરોમાં નોંધપાત્ર વેચવાલી ફરી વળી હતી. એ સાથે-સાથે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેની અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય બજાર તરફથી મળેલા નબળા સંકેતોએ પણ રોકાણકારોની ચિંતાઓ વધારી હતી.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સંશયને કારણે મંત્રાલય એક ટીમ અમેરિકા મોકલશે, જેથી વેપાર કરાર અંગે ચર્ચા કરી શકાય. અમેરિકા દ્વારા પહેલી ઓગસ્ટ સુધી વધારાની ડ્યૂટી ટાળવામાં આવી છે, પણ ત્યાર પછી શું થશે તે સ્પષ્ટ નથી. આ અનિશ્ચિતતાએ રોકાણકારોને સતર્ક બનાવી દીધા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પરથી આયાત પર 35 ટકા ટેક્સ લગાવવાની વાત કરી છે. તેમ જ અન્ય દેશો પર પણ 15–20 ટકાના નવા ટેરિફ લાગુ કરવાનો સંકેત આપ્યો છે. જેને કારણે વૈશ્વિક વેપાર યુદ્ધની ચિંતાઓ ફરી વધી છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 3 ટકા સુધીનો કાપ મૂકે. જેને કારણે ફેડની સ્વતંત્રતાને લઈને પ્રશ્નો ઊઠી રહ્યા છે, જે બજારની સ્થિરતા માટે ખતરો સાબિત થઈ શકે છે. આ સાથે વોલેટિલિટી ઇન્ડેક્સ લગભગ બે ટકા વધીને 11.87 પર પહોંચ્યો છે. તેનો અર્થ એ છે કે બજારમાં ગભરાટ અને તેજ ઉતાર-ચઢાવની સંભાવના વધી છે.
રોકાણકારોના રૂ. 3.63 લાખ કરોડ ડૂબ્યા
BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 11 જુલાઈએ ઘટીને રૂ. 456.62 લાખ કરોડ થયું છે, જે અગાઉ 10 જુલાઈએ રૂ. 460.25 લાખ કરોડ હતું. આ રીતે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ રૂ.3.63 લાખ કરોડનો ઘટાડો થયો છે.
BSE પર કુલ 4165 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2450 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1557 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 158 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 133 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 42 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 250 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 198 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
