અસાધ્ય રોગને સરળ બનાવતો સેમિનાર

અમદાવાદ: કેન્સરનું નામ પડે એટલે ભલભલાના હોશ ઉડી જાય.. આવું જ એક બત્રીસ વર્ષના યુવાન જોડે થયું. એક દીકરો અને એક દીકરી સાથેનો મધ્યમવર્ગનો પણ સુખી પરિવાર..કોરોનાના સંક્રમણ બાદ લોહીની તપાસ પછી ડોકટરને શંકા ગઇ જયભાઇ તમારે બીજા રીપોર્ટ માટે તૈયાર રહેવું પડશે. જયભાઇએ અન્ય રિપોર્ટ કરાવ્યા અને એમાં લોહીનું કેન્સર (સી.એમ.એલ.) આવ્યું. આ યુવાન ગભરાઇ ગયો, રાતની ઉંઘ ઉડી ગઇ. હવે અચાનક શરીરમાં પ્રવેશેલો આ ભયાનક રોગ કેન્સર અને પરિવારને સાચવવાનું મુસીબત થઇ જશે. એટલે આત્મહત્યા કરી જીવન કેવી રીતે ટૂંકાવવું એવા વિચારો આવવા માંડ્યા….એક રાત્રે યુવાન જાગતો પથારીમાં પડ્યો રહ્યો. અડધી એક રાત્રે ઉઠ્યો અને લાઇટ ચાલુ કરી બહાર જતો હતો ત્યાં માસુમ દીકરીએ કહ્યું પાપા કહાં જા રહે હો અભી તો અંધેરા હૈ.. થોડી દેર મે ઉજાલા હો જાયેગા…આ શબ્દો સાંભળી યુવાન જયના શરીરના રુંવાડા ઉભા થઇ ગયા. દીકરીના શબ્દોએ એને જીવવાની એક નવી રાહ અપાવી દીધી. ત્યાર પછી અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં ગયો જ્યાં એની સારવાર શરૂ થઇ. ડોકટરે સાંત્વના આપી અને કહ્યું આ કેન્સર સામે હું તને જીતાડીશ. લ્યુકેમિયાની સારવાર સરળ છે. જયને મળતી સારવાર એક જ ગોળીથી એનું જીવન બદલાઇ ગયું. જીવનની ગાડી એકદમ બરાબર ચાલી રહી છે. આજ દિવસ સુધી ઘર પરિવારના કે પડોશમાં કોઈને ખબર નથી કે જય ( નામ બદલેલ છે) લોહી સંબંધિત કેન્સર સાથે જીવી રહ્યા છે.લોહીને સંલગ્ન આવા કેન્સરના અનેક દર્દીઓ કે જે કેન્સર નામ સાંભળતા જ હતાશ થઇ જાય છે. એ વળી પાછા ઉભા થઇ જાય છે એમને ઉભા કરી દોડતા કરવાનું માર્ગદર્શન, શિક્ષણ અને સહાય આપતો અનોખો મેળાવડો શહેરના અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન ખાતે યોજાયો હતો. આ ઉત્સાહ વર્ધક મેળાવડાનું આયોજન મેક્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.મેક્સના પ્રોગ્રામ ઓફિસર આસિકા નાઇક ચિત્રલેખા.કોમને કહે છે મેક્સ નામ સાંભળીને એવું લાગે કે આ કોઇ કંપનીનું નામ હશે. પરંતુ ના આ એક કેન્સર સામે ઝઝુમ્યો એ લેટિન અમેરિકન બાળક મેક્સના નામ પરથી આ સંસ્થાનું નામ પડ્યું. 1997માં અમેરિકામાં કેન્સર તેમજ ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને મદદ કરવા મેક્સ ફાઉન્ડેશનની સ્થાપના થઇ. જે નિરંતર જુદા-જુદા દેશના અનેક શહેરોમાં સમયાંતરે સેમિનારોનું આયોજન કરી. કેન્સરના દર્દીઓને માર્ગદર્શન શિક્ષણ તો આપે જ છે એ સાથે એમના જેવાં બીજા લોકો પણ છે એમને મેળવી એક સંગઠન તૈયાર કરે છે. દર્દીઓને એક બીજાને મળી સંવાદ કરવાની તક મળતાં જ એ લોકોમાં જીવવાનો જુસ્સો વધે છે.

આ જ સંસ્થાના પ્રિયંકા કહે છે અમે અત્યારે એ.એમ.એ અમદાવાદમાં જે સેમિનારનું આયોજન કર્યું. એમાં સી.એમ.એલ. અને જી.આઇ.એસ.ટી.ના દર્દીઓને ભેગા કર્યા. એમને માર્ગદર્શન આપતી પુસ્તિકાઓ સાહિત્ય આપ્યું. આ સાથે શહેરના જાણીતા નિષ્ણાંત ડોક્ટર્સને બોલાવી એમના વક્તવ્યોનું આયોજન કર્યું. આ સાથે દર્દીએ આ કેન્સરમાં શું કરવું જોઇએ એની માહિતી મેળવી.. દર્દીઓના પ્રશ્નોના જવાબ મેડિકલ ટર્મિનોલોજીની સાથે સરળતાથી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમે આપ્યા. આ સેમિનારમાં વર્કશોપની જેમ ટીમો તૈયાર કરી કેન્સર સામે લડવા કેવી રીતે પોઝિટીવ રહેવું. એવા દરેકના જીવનમાં વિતેલો સકારાત્મક ઘટનાક્રમ રજૂ કરવો. જે સંવેદનશીલ સ્ટોરીથી બીજા લોકો પ્રેરણા મેળવી શકે.મેક્સ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સેમિનારમાં દર્દીઓનું એક સકારાત્મક પ્રવૃત્તિ કરતું એક ગૃપ ફ્રેન્ડ્સ ઓફ મેક્સના સભ્યોએ સક્રિય રીતે ભાગ લીધો. જ્યારે વેદાંત હોસ્પિટલ તેમજ શહેરના નિષ્ણાંત ડોકટર્સ દ્વારા આ કેન્સરના દર્દીઓએ કેવી રીતે સ્વસ્થ રહી શકે એવી સકારાત્મક વાતો કરી. લોહી સાથે સંબંધિત કેન્સરના દર્દીઓએ અનેક રમૂજ કરી એમાં કહ્યું કેન્સર એટલે કેન્સર નહીં…આ લ્યુકેમિયા લોહીનું કેન્સર તો રાજરોગ કહેવાય..કોઇને ખબર પડે જ નહી. દિવસમાં એક જ ચોકલેટ (ટેબલેટ) ખાવ એટલે નિરાંત..!

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)