કેરળ: વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી મંગળવારે થયેલ ભૂસ્ખલનમાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા. આ કુદરતી આપદામાં 150 જેટલાં લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં બચાવ કાર્ય માટે એન.ડી.આર.એફ. અને સૈન્ય સહિત અનેક એજન્સીઓને કામે લગાવાઈ છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. રાતના અંધકારમાં અચાનક પર્વત ધરાશાયી થઈ ગયા અને ચારેબાજુ તબાહી મચી ગઈ. નિષ્ણાતોનું માનવું છે કે અરબી સમુદ્રમાં તાપમાન વધવાને કારણે ગાઢ વાદળો બની રહ્યા છે, જેના કારણે કેરળમાં ઓછા સમયમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ જ કારણ છે કે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે.
વિજ્ઞાનીઓએ લેન્ડસ્લાઈડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ અને જોખમનો સામનો કરી રહેલી વસતી માટે સુરક્ષિત આવાસ એકમોના નિર્માણ પર ભાર મૂક્યો છે. કોચી ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં એડવાન્સ્ડ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રડાર રિસર્ચના ડિરેક્ટર એસ. અભિલાષે કહ્યું કે, સક્રિય ચોમાસું ઓફશોર લો પ્રેશર વિસ્તારના કારણે કાસરગોડ, કન્નુર, વાયનાડ, કાલીકટ અને મલપ્પુરમ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે છેલ્લા બે અઠવાડિયાથી સમગ્ર કોંકણ વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યો છે.
બે સપ્તાહના વરસાદ બાદ જમીન એકદમ પોચી થઈ ગઈ છે. અરબી સમુદ્રના કિનારે ડીપ ‘મેસોસ્કેલ’ ક્લાઉડ સિસ્ટમ રચાઈ હતી અને તેના કારણે વાયનાડ, કાલિકટ, મલપ્પુરમ અને કન્નુરમાં ભારે વરસાદ થયો હતો, જેના પરિણામે ભૂસ્ખલન થયું હતું. અભિલાષે કહ્યું, ‘અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં તાપમાન વધી રહ્યું છે, જેના કારણે કેરળ સહિત આ વિસ્તારની ઉપરનું વાતાવરણ થર્મોડાયનેમિકલી અસ્થિર બની ગયું છે. વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ 2022માં ‘NPJ ક્લાઈમેટ એન્ડ એટમોસ્ફેરિક સાયન્સ’માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવાયું હતું કે ભારતના પશ્ચિમ કિનારા પર વરસાદ વધુ ગાઢ બની રહ્યો છે અને એ ત્યારે થાય છે જ્યારે ગરમ, ભેજવાળી હવા વાતાવરણમાં વધે છે. જેમ જેમ ઊંચાઈ વધે છે, દબાણ ઘટે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.’