જાપાનમાં સૌપ્રથમ વાર મહિલા PM બન્યાં સાને ટાકાઇચી

ટોક્યોઃ સાને ટાકાઇચી આજે જાપાનનાં વડા પ્રધાન બની ગયાં છે. તે દેશના ઈતિહાસમાં વડા પ્રધાનપદ પર પહોંચનારાં પ્રથમ મહિલા છે. જાપાનના રાજકારણમાં આજે એટલે કે 21 ઓક્ટોબરે એક નવો માઇલસ્ટોન નોંધાયો છે. ટાકાઇચી એવા સમયે સત્તા સંભાળી રહી છે જ્યારે દેશ ગંભીર રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. 64 વર્ષની સાને ટાકાઇચી લાંબા સમયથી સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના દક્ષિણપંથી જૂથના ભાગરૂપે કાર્યરત રહ્યાં છે. તેમણે જાપાન ઇનોવેશન પાર્ટી સાથે ગઠબંધન પણ કર્યું છે.

લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને જુલાઈમાં મોટો પરાજય ભોગવવો પડ્યો હતો. ત્યાર બાદ ત્રણ મહિના ચાલેલા રાજકીય આંતરિક વિરોધને ખતમ કરતાં ટાકાઇચીએ ભૂતપૂર્વ વડા પ્રધાન શિગેરુ ઇશિબાની જગ્યા લીધી છે. ઇશિબાનો કાર્યકાળ માત્ર એક વર્ષનો રહ્યો અને તેમણે ગયા મંગળવારે રાજીનામું આપી દીધું હતું. ટાકાઇચીએ વડા પ્રધાન તરીકે શપથ લઈ લીધા છે, પરંતુ તેમનું ગઠબંધન હજી પણ સંસદનાં બંને ગૃહોમાં સંપૂર્ણ બહુમતીથી થોડું ઓછું છે. હવે તેમને કાયદા પસાર કરવા માટે અન્ય વિપક્ષી જૂથોને પોતાના પક્ષમાં લાવવાં પડશે.

કોણ છે ‘આયર્ન લેડી’ ટાકાઇચી?

ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની શિષ્યા મનાતાં સાને ટાકાઇચીને જાપાનનાં ‘આયર્ન લેડી’ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 1961માં નારા પ્રાંતમાં થયો હતો. તેમનાં માતા-પિતા રાજકારણથી દૂર હતાં.

પડોશી દેશો સાથેના સંબંધ

વિદેશ નીતિમાં ટાકાઇચી કડક વલણ માટે જાણીતાં છે. તેમને ચીન પ્રત્યે કઠોર અને દક્ષિણ કોરિયા પ્રત્યે સાવધ માનવામાં આવે છે. ટાકાઇચી જાપાનના યુદ્ધકાળના ઈતિહાસની સમીક્ષક રહી છે અને તેઓ યાસુકુની મંદિરની નિયમિત મુલાકાત લે છે, જે ચીનને સતત નારાજ કરતું રહ્યું છે.