સંભલ જામા મસ્જિદ સર્વે કેસઃ હાઇકોર્ટથી મુસ્લિમ પક્ષને આંચકો

લખનૌઃ સંભલની જામા મસ્જિદ અને હરિહર મંદિરસંબંધિત વિવાદમાં અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો આંચકો આપ્યો છે અને સિવિલ રિવિઝન પિટિશન ફગાવી દીધી છે. કોર્ટે ટ્રાયલ કોર્ટે જારી કરેલા એડવોકેટ કમિશનની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ ચુકાદો જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની અદાલતે આપ્યો હતો.

ટ્રાયલ કોર્ટે જે આદેશ આપ્યો હતો તે મહંત ઋષિરાજ ગિરિ સહિતના આઠ વાદીઓએ દાખલ કરેલા કેસના આધારે હતો. તેમનો દાવો હતો કે સંભલ મસ્જિદનો નિર્માણ 1526માં ત્યાં આવેલા હિન્દુ મંદિર તોડીને કરવામાં આવ્યો હતો. મસ્જિદ સમિતિએ અલાહાબાદ હાઈકોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે સિવિલ જજે તેમને કોઈ નોટિસ આપ્યા વિના તાત્કાલિક સર્વેનો આદેશ આપી દીધો હતો. મસ્જિદનો સર્વે તે જ દિવસે 19 નવેમ્બર અને ત્યાર બાદ 24 નવેમ્બર, 2024એ કરવામાં આવ્યો હતો.

હિન્દૂ પક્ષનો શો દાવો છે?
હિન્દૂ પક્ષના દાવા મુજબ વિવાદિત મસ્જિદ મૂળરૂપે ભગવાન વિષ્ણુના અંતિમ અવતાર કલ્કિનું હરિહર મંદિર હતું. વર્ષ 1526માં મોગલ શાસક બાબરના આદેશથી આ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું હતું. સંભલમાં ગયા વર્ષે 24 નવેમ્બરથી તંગદિલીભર્યું વાતાવરણ છે. કોર્ટે સર્વેનો આદેશ આપ્યા બાદ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ હિંસા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં ચાલતી કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો અને આદેશ આપ્યો હતો કે મસ્જિદ સમિતિ દ્વારા દાખલ અરજી હાઈકોર્ટમાં ફાઇલ થયા સુધી કોઈ કાર્યવાહી ન થાય.

હરિશંકર જૈનનો પ્રતિસાદ

હાઈકોર્ટએ સંભલની શાહી જામા મસ્જિદના સર્વેના ટ્રાયલ કોર્ટે આપેલા આદેશને યથાવત્ રાખ્યો છે. મુસ્લિમ પક્ષની રિવિઝન યાચિકા નકારી કાઢી છે. ગાઝિયાબાદના વરિષ્ઠ વકીલ હરિ શંકર જૈને કહ્યું હતું કે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરેલી રિવિઝન પિટિશન નકારી છે. કોર્ટે કહ્યું છે કે સર્વે યોગ્ય છે. જે પણ સર્વે થયો છે તેને વાંચીને રેકોર્ડનો ભાગ બનાવવામાં આવશે. જો તેઓ (મુસ્લિમ પક્ષ) સુપ્રીમ કોર્ટે જાય છે, તો અમે તેમનું સ્વાગત કરવા તૈયાર છીએ.’ ASI રિપોર્ટ પછી હાઈકોર્ટે ફરી સર્વે કરવા આદેશ આપ્યો હતો.