રશિયામાં ક્યારથી ભારતીયો માટે થશે વિઝા ફ્રી એન્ટ્રી?

રશિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ સામે આવ્યું છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે.એક અહેવાલ મુજબ રશિયાના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ ભારતીયો વિઝા વિના રશિયા જઈ શકશે. જૂનની શરૂઆતમાં, અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારતે એકબીજા માટે વિઝા પ્રતિબંધોને હળવા કરવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીયો ઓગસ્ટ 2023 થી રશિયા જવા માટે ઈ-વિઝા માટે પાત્ર છે. જોકે, ઈ-વિઝા જારી કરવામાં લગભગ ચાર દિવસ લાગે છે. ગયા વર્ષે ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે પણ ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશિયાએ ભારતીય પ્રવાસીઓને 9,500 ઈ-વિઝા આપ્યા છે.મોટાભાગે ભારતીયો વેપાર કે પ્રવાસ માટે રશિયા જાય છે. 2023માં 60,000થી વધુ ભારતીયોએ મોસ્કોની મુલાકાત લીધી હતી. જે 2022 કરતા 26 ટકા વધુ છે. CIS સિવાયના દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે જ્યાંથી મોટાભાગના લોકો રશિયામાં પ્રવાસ કરે છે. એકલા 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 1,700 ઈ-વિઝા જારી કરવામાં આવ્યા હતા.રશિયા હાલમાં તેના વિઝા-મુક્ત પ્રવાસી વિનિમય કાર્યક્રમ દ્વારા ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝામુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હવે રશિયા ભારત સાથે પણ વિઝા ફ્રી ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યું છે. ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા હંમેશા નારાજ રહે છે. તાજેતરમાં નિક્કી હેલીએ કહ્યું હતું કે ભારત રશિયા સાથે ભાગીદારી કરે છે કારણ કે તેને અમેરિકન નેતૃત્વ પર વિશ્વાસ નથી.