બેંગલુરુઃ કર્ણાટકના હાવેરીમાં આવેલા એક શાકભાજી વિક્રેતા દુકાનદાર માટે એ સમયે અજીબ સ્થિતિ ઊભી થઈ જ્યારે તેને રૂ. 29 લાખની GST નોટિસ મોકલવામાં આવી છે અને તેને આ રકમ ચૂકવવા માટે કહેવામાં આવી. આ નોટિસ મળ્યા પછી હવે આ શાકભાજી વેચનારને સમજાતું નથી કે આટલી મોટી રકમ ચૂકવે તો કેવી રીતે?
હાવેરીના મ્યુનિસિપલ હાઈ સ્કૂલ ગ્રાઉન્ડ નજીકના વિસ્તારમાં શંકરગૌડા છેલ્લાં ચાર વર્ષથી નાની શાકભાજીની દુકાન ચલાવી રહ્યા છે. તેના મોટા ભાગના ગ્રાહકો તેમને UPI અથવા અન્ય ડિજિટલ વોલેટ દ્વારા ચુકવણી કરે છે. પરંતુ શંકરગૌડા માટે મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ ગઈ જ્યારે GST અધિકારીઓએ તેમને ગયા ચાર વર્ષમાં કુલ રૂ. 1.63 કરોડની લેવડદેવડને આધારે રૂ. 29 લાખની નોટિસ મોકલીને ચુકવણી માટે નિર્દેશ આપ્યો.
શંકરગૌડાનું કહેવું છે કે તેઓ સીધા ખેડૂતો પાસેથી તાજી શાકભાજી લાવે છે અને પોતાની નાની દુકાન પરથી વેચે છે. તેનું કહેવું છે કે મોટા ભાગે તેના ગ્રાહકો UPIથી પેમેન્ટ કરે છે, કદાચ જ કોઈ કેશમાં પેમેન્ટ કરે. તેઓ વધુમાં કહે છે કે તેઓ દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે અને તમામ રેકોર્ડ્સ નિયમ મુજબ જ રાખે છે. તેમ છતાં આટલી અશક્ય રકમની GST નોટિસ મળતાં તેઓ આશ્ચર્યચકિત છે.
તાજી શાકભાજી GSTના દાયરામાં આવતી નથી. જો શાકભાજી વેચનાર સીધા ખેડૂતો પાસેથી ખરીદીને કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ વિના વેચે છે, તો એના પર GST લાગુ પડતો વેપાર તરીકે ગણાતો નથી. અહેવાલ અનુસાર તાજેતરમાં કર્ણાટકના GST વિભાગે જણાવ્યું હતું કે તેઓ UPI પેમેન્ટ લેવાવાળા વેપારીઓ પર ધ્યાન આપી રહ્યા છે. તેમ જ તેવું પણ જણાવવામાં આવ્યું કે જેમનો ટર્નઓવર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે, તેમને GST રજિસ્ટ્રેશન માટે નોટિસ મોકલવામાં આવશે.
