RR vs PBKS: રાજસ્થાને પંજાબને 3 વિકેટે હરાવ્યું

રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હરાવ્યું છે. સેમ કરનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે રાજસ્થાન રોયલ્સે સિઝનની પાંચમી જીત નોંધાવી હતી. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ હતો. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે ધીમી શરૂઆત છતાં 19.5 ઓવરમાં 7 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. રાજસ્થાન રોયલ્સની જીતનો હીરો શિમરન હેટમાયર હતો. આ બેટ્સમેને છેલ્લી ઓવરોમાં વિસ્ફોટક બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. હેટમાયર 10 બોલમાં 27 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

રાજસ્થાન રોયલ્સ માટે ઓપનર યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 28 બોલમાં 39 રન બનાવ્યા હતા. તનુષ કોટિયાને 31 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. આ ટીમના કેપ્ટન સંજુ સેમસને 14 બોલમાં 18 રન બનાવ્યા હતા. જ્યારે ધ્રુવ જુરેલ 11 બોલમાં 6 રન બનાવીને હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. છેલ્લી ઓવરોમાં રોવમેન પોવેલે 5 બોલમાં 11 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જો કે, આ રીતે રાજસ્થાન રોયલ્સે સિઝનની પાંચમી જીત નોંધાવી હતી. હવે રાજસ્થાન રોયલ્સના 6 મેચમાં 10 પોઈન્ટ છે. હાલ સંજુ સેમસનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

પંજાબ કિંગ્સ માટે રબાડા અને સેમ કરન સૌથી સફળ બોલર હતા. આ બંને બોલરોએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહ, લિવિંગસ્ટોન અને હર્ષલ પટેલને 1-1 સફળતા મળી હતી.

હવે પંજાબ કિંગ્સના 6 મેચમાં 2 પોઈન્ટ છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. જોકે, સાતમા ક્રમે આવેલી મુંબઈ ઈન્ડિયન્સના પણ 4 પોઈન્ટ છે, પરંતુ હાર્દિક પંડ્યાની ટીમનો નેટ રન રેટ વધુ સારો છે. આથી આ ટીમ સાતમા સ્થાને છે.