ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ પોલિસી અંગે રાઉન્ડટેબલ ચર્ચા

ગાંધીનગર: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ(DST) અને HSBCએ સાથે મળીને ૪ જુલાઈના રોજ રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું. ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે “ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) પૉલિસી ૨૦૨૫-૩૦” વિષય પર આ ચર્ચા કરવામાં આવી હતી. આ રાઉન્ડ ટેબલ ચર્ચામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ખાસ ઉદબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતની નીતિઓ ભારતના સર્વિસ સેક્ટરના રાષ્ટ્રીય વિઝન સાથે સુસંગત છે, તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ફક્ત છેલ્લા એક વર્ષમાં જ રાજ્ય સરકારે નવીનતા, રોકાણ અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપતી નવી પાંચ નીતિઓ અમલમાં મૂકી છે.આ ઉપરાંત મોના ખંધારે જણાવ્યું કે, રોકાણકારોએ ગુજરાતની નીતિગત ફ્રેમવર્ક અને કુશળ માનવબળની ઉપલબ્ધતાની પ્રશંસા કરી છે. ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય છે અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દેશની શ્રેષ્ઠ વ્યવસ્થાઓમાં એક છે, જે ગુજરાતને રોકાણ માટે એક સુરક્ષિત અને વિશ્વસનીય સ્થળ બનાવે છે.HSBCના CEO અને ગિફ્ટ સિટી બ્રાન્ચના વડા આશિષ ત્રિપાઠીએ આ ચર્ચાની શરૂઆતમાં ગુજરાતમાં નવીનતા અને રોકાણ માટે HSBCની પ્રતિબદ્ધતા અંગે વાત કરી હતી. ત્યાર બાદ HSBC ઇન્ડિયાના MD અને હેડ ઓફ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ સર્વિસીસ અનિતા મિશ્રાએ ગુજરાતની ઝડપી વિકાસગતિ અને GCCની મહત્ત્વની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, નીતિ, ઢાંચાકીય સપોર્ટ, R&D પ્રોત્સાહન અને સ્થાનિક પ્રતિભાની સ્કિલ અપગ્રેડિંગ માટે એક સંતુલિત અને દૃઢ ફ્રેમવર્ક છે.

આ બેઠક દરમિયાન ગિફ્ટ સિટી અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. જેમાં ઉદ્યોગો માટે રાજ્ય સરકારના મુખ્ય પ્રોત્સાહનો અને નીતિગત માળખાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો.આ રાઉન્ડ ટેબલ ચર્ચામાં PMC રિટેલ, અસ્તા ઈન્ડિયા, લિટેરા ઈન્ડિયા, કયુ.એક્સ. ગ્લોબલ, ઇન્ડેક્સ ઈન્ડિયા, FSP ઈન્ડિયા, E&Y સહિત કુલ ૨૭ અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEO, CFO તથા વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. સાથે જ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને ડિરેક્ટોરેટ ઓફ ICT અને ઈ-ગવર્નન્સના નિયામક કવિતા શાહ ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.