નવી દિલ્હી: દેશના સુપ્રસિદ્ધ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં આયોજીત ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડન સેન્ડ માસ્ટર પુરસ્કાર જીત્યોછે. આ ખાસ અવસર પર સુદર્શન પટનાયકનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમને પુરસ્કાર મળતો આપણે જોઈ શકીએ છીએ. જે દરમિયાન તેઓ ખુબ જ ખુશ દેખાય રહ્યા છે. આ પ્રતિયોગિતામાં સુદર્શન પટનાયકે મહાપ્રભુ જગન્નાથના રથ અને તેમના ભક્ત બલરામ દાસની 12 ફૂટ ઊંચી રેતની મૂર્તિ બનાવી છે. સુદર્શ પટનાયકે તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયો સાથે કેપ્શનમાં નમસ્કાર!, મહાપ્રભુ જગન્નાથ લખ્યું છે.
રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ટરનેશનલ ગોલ્ડન સેન્ડ માસ્ટર ચેમ્પિયનશિપનું આયોજન 4 થી 12 જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનની થીમ ઈતિહાસ, પૌરાણિક કથાઓ અને પરીની વાર્તાઓ હતી. જેમાં દુનિયાભરમાંથી 21 માસ્ટર સેન્ડ આર્ટિસ્ટે ભાગ લીધો હતો. ભારતમાંથી સુદર્શન પટનાયક એકમાત્ર પ્રતિયોગી હતા. આ પહેલાં આ ચેમ્પિયનશીપનું આયોજન વર્ષ 2018માં કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે સુદર્શન પટનાયકે ચેમ્પિયનશીપ જીતીને ભારતનું નામ રોશન કરી દીધું છે.