મુંબઈઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અદાલતે ઇથેનોલ સંબંધિત અપમાનજનક અને ભ્રામક કન્ટેન્ટ સોશિયલ મિડિયા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન અદાલતે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સના વકીલોને ઠપકો આપતાં ગડકરી વિશેનું અપમાનજનક કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી.
આ મામલે નીતિન ગડકરીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે અદાલતને જણાવ્યું હતું કે ઇથેનોલને લઈને સોશિયલ મિડિયા પર ભ્રામક, અપમાનજનક, અશ્લીલ અને નકલી (ફેક) વિડિયો પ્રસારિત કરવામાં આવ્યા હતા. AI દ્વારા બનાવાયેલા ડીપફેક વિડિયોમાં તેમના પરિવારને E20 ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ નીતિ સાથે ખોટી રીતે જોડવામાં આવ્યો હતો.
અગાઉ બોમ્બે હાઈકોર્ટે ગડકરીને મેટા (Meta) X Corp, Google તેમ જ અજાણ્યા ઓનલાઇન કન્ટેન્ટ ક્રિયેટર્સ વિરુદ્ધ માનહાનિનો નાગરિક દાવો (સિવિલ કેસ) દાખલ કરવાની મંજૂરી આપી હતી. આ કેસ AIથી બનાવાયેલા ડીપફેક વિડિયો અને ભ્રામક સોશિયલ મિડિયા પોસ્ટ્સ સામે છે, જેમાં ગડકરી અને તેમના પરિવારને સરકારની E20 ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ નીતિથી આર્થિક લાભ મળતો હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો.
Online posts against Union minister Nitin Gadkari are vile, obscene, abusive & defamatory, says HC; orders takedown of all such posts pic.twitter.com/LdxzAocn1o
— Press Trust of India (@PTI_News) August 5, 2026
ગડકરીએ પોતાની અરજીમાં સ્પષ્ટ કર્યું છે કે ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ સંપૂર્ણપણે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય હેઠળ ચાલે છે, તેમના વિભાગ હેઠળ નહીં. તેમણે અદાલતને આપત્તિજનક ડિજિટલ કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપવા અને માનહાનિ બદલ 11 કરોડ રૂપિયાનું વળતર અપાવવાની માગ કરી છે. આ કાનૂની કાર્યવાહીનો મુખ્ય હેતુ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સને ખોટા, ભ્રામક અને અપમાનજનક કન્ટેન્ટ હોસ્ટ કરવા બદલ જવાબદાર ઠેરવવાનો છે.




