અમદાવાદ: હાલમાં નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે જોઈએ તેવી ઠંડી હજુ પણ પડી રહી નથી. દિવસે તો ગરમીનો જ અનુભવ થઈ રહ્યો છે. જો કે સૂર્યાસ્ત બાદ ઠંડીનો માહોલ બનવા લાગે છે. અગાઉનાં વર્ષોમાં નવેમ્બર મહિનામાં પડતી ઠંડી જેવો હજુ માહોલ જામ્યો નથી. ત્યારે હવામાન વિભાગે નવેમ્બર મહિનાના પહેલા પખવાડિયામાં જ સામાન્ય ઠંડી પડશે એવી આગાહી કરી છે. દરમિયાન ડિસેમ્બરથી હાડ ગાળતી ઠંડી સહેવા માટે તૈયાર રહેવાની આગાહી કરી દીધી છે.સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું લાંબું ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમી વર્તાઇ છે. જો કે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું. દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવી હતી.