RBI લાવશે નવો નિયમઃ EMI ન ચૂકવાતાં ફોન-ટીવી થશે બંધ

નવી દિલ્હીઃ લોકો EMI પર ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ ખરીદી લે છે, પરંતુ તેનો લોન ચૂકવતા નથી. જેને કારણે લોન વસૂલી માટે બેંક કર્મચારીઓને મુશ્કેલી ઊભી થાય છે. આને ધ્યાનમાં રાખીને RBI એક નવો અને કડક નિયમ લાવશે. તેનો હેતુ મોબાઈલ, ટીવી, વોશિંગ મશીન જેવા પ્રોડક્ટ્સ માટેની નાની લોનની વસૂલીને સરળ બનાવવાનો છે. આ વિષયને લઈને RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે ચર્ચા પણ કરી છે.

ફાઈનાન્સ એક્સપર્ટ આદિલ શેટ્ટીએ કહ્યું હતું કે ફોન, લેપટોપ કે આવી અન્ય વસ્તુઓ ખરીદવા માટે મળતો લોન કોલેટરલ-ફ્રી હોય છે, એટલે કે ગ્રાહકને કોઈ સંપત્તિ ગિરવી રાખવાની જરૂર નથી પડતી. આ લોન પર વ્યાજ દર 14-16 ટકા સુધી હોય છે. આવી સ્થિતિમાં જો નવી વ્યવસ્થા લાગુ થાય છે તો આ લોન સુરક્ષિત લોન (જેમ કે હોમ લોન, ઓટો લોન)ની શ્રેણીમાં આવશે. એટલે બેંકોને આ અધિકાર આપતાં પહેલાં આ લોનની શ્રેણી બદલવી પડશે અને વ્યાજ દર પણ ઘટાડવા પડશે.

અમેરિકા સહિત અનેક દેશોમાં આવી વ્યવસ્થા છે કે EMI ન ચૂકવાતાં કાર સ્ટાર્ટ નથી થતી. કેનેડા, આફ્રિકા, કેન્યા અને નાઇજિરિયા સહિત અનેક દેશોમાં આ પદ્ધતિ લાગુ છે.

દેશમાં એક તૃતીયાંશથી વધુ ગ્રાહકો ઇલેક્ટ્રોનિક્સ- ખાસ કરીને મોબાઇલ ફોન EMI પર ખરીદે છે. હાલ દેશમાં 1.16 અબજથી વધુ મોબાઇલ કનેક્શન છે. CRIF હાઇમાર્કના જણાવ્યાનુસાર રૂ. એક લાખથી ઓછી કિંમતના ફોનની લોનમાં ડિફોલ્ટ દર સૌથી વધુ છે.

 અહીં કેવી રીતે લાગુ થશે?

RBI જે વ્યવસ્થા પર વિચાર કરી રહી છે તે મુખ્યત્વે નાના ઉપભોક્તા લોન (જેમ કે મોબાઈલ, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન, ઇલેક્ટ્રોનિક્સ) પર લાગુ થશે. આ નવી વ્યવસ્થા હેઠળ EMI પર લેવાયેલા પ્રોડક્ટમાં પહેલેથી એવી એપ અથવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું રહેશે કે જો ગ્રાહક હપતા ન ભરે તો તે સોફ્ટવેર દ્વારા પ્રોડક્ટને દૂરથી જ લોક કરી દેવામાં આવશે.