રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને IIIT-લખનઉ વચ્ચે મહત્વના કરાર

ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી-લખનઉ વચ્ચે એક સમજૂતી કરાર (M.O.U) પર હસ્તાક્ષર થયા. આ સમજૂતી કરાર કાયદાના અમલીકરણની પદ્ધતિઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ કરવાના પરિવર્તનકારી સહયોગની શરૂઆત દર્શાવે છે.

આ કાર્યક્રમમાં બંન્ને સંસ્થાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. IIIT-લખનઉના ડાયરેક્ટર અરુણ મોહન શેરી, સી.ડી.આર. ડૉ. મનોજ ભટ્ટ, નિવૃત્ત મેજર જનરલ દીપક મહેરા (કીર્તિ ચક્રથી સન્માનિત, અતિ વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત, વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત) હાજર રહ્યા હતા. તેમણે આ સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર પ્રોફેસર ડૉ. બિમલ એન. પટેલે જણાવ્યું, “આ ભાગીદારીથી આંતરિક સુરક્ષા અને પોલીસી મેકિંગમાં આંતરશાખાકીય અભિગમોને પ્રોત્સાહન મળશે. IIIT-લખનઉની એડવાન્સ ટેક્નોલોજીનો લાભ લઈને સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ પોલીસિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ટેક્નોલોજીના ઉપયોગ વગેરે જેવા મહત્ત્વના ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ જોડાણનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની કાર્યકારી ક્ષમતાઓમાં વધારો કરવાનો છે.”આ સહયોગથી અનેક પ્રભાવશાળી પહેલ શરૂ થઈ શકે છે. જેમ કે,

  1. સંયુક્ત સંશોધન: બંન્ને સંસ્થાઓ સાથે મળીને રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસિંગ પ્રથાઓને સુધારવા માટે નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓની શોધ કરવાના હેતુથી સહયોગી સંશોધન પ્રોજેક્ટ્સમાં જોડાશે.
  2. ટ્રેનિંગ પ્રોગામમાં વધારો: કાયદાનું અમલીકરણ કરાવવા માટે અધિકારીઓને અનુરૂપ તાલીમ કાર્યક્રમો વિકસાવવામાં આવશે. અધિકારીઓની કુશળતા અને કાર્યક્ષેત્રમાં અસરકારકતા વધારવા માટે નવીનતમ ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે.
  3. નવી ટેક્નોલોજીવાળા સાધનોનો વિકાસ: જાહેર સલામતી સુધારવા અને પોલીસિંગ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે અદ્યતન ટેક્નોલોજીવાળા સાધનોની શોધ કરવામાં આવશે.

IIIT-લખનઉના ડાયરેક્ટર ડૉ. અરુણ મોહન શેરીએ આ ભાગીદારી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું, “રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે અમારા સહયોગથી ટેક્નોલોજીકલ સંશોધનો અને કાયદાના અમલીકરણ બંન્નેમાં નવા આયામો ઉભા થશે. અમે રક્ષા યુનિવર્સિટી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. સાથે મળીને અમે આપણા જવાનોની તેમજ દેશની સુરક્ષામાં વધારો થઈ શકે તેવા સંશોધનો કરવા માટે તત્પર છીએ.”

મેજર જનરલ દીપક મહેરાએ કહ્યું, “IIIT લખનઉ સાથેનો આ એમ.ઓ.યુ. એ નવી પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ટેક્નોલોજીને એકીકૃત કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે અમારા સહિયારા લક્ષ્યોને આગળ વધારવા માટે IIIT-લખનઉ સાથે મળીને કામ કરવા આતુર છીએ.”