નોમના નેજા ચઢાવવા માર્ગો પર હજારો લોકો ઉમટી પડ્યા

અમદાવાદ: ભાદરવા સુદ એકમ બુધવારથી રામદેવ પીરના નોરતાંનો પ્રારંભ થયો હતો. જે ગુરૂવારે નોમના દિવસે પૂર્ણ થતાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રંગબેરંગી ધજા-નેજા અને ઘોડા સાથે મોટી સંખ્યામાં લોકો જતાં જોવા મળ્યા હતા.હમણાં તહેવારો, ઉત્સવો, મહોત્સવોની મોસમમાં ઢોલ-નગારા, ડીજે, ગુલાલ સાથે પગપાળા સંઘો અને શ્રધ્ધાળુઓમાં વધારો થયો છે.નોમની વહેલી સવારથી જ જુદા-જુદા વિસ્તારોના સંગઠિત શ્રધ્ધાળુઓના સંઘોએ રામાપીરના મંદિરે જઈ માન્યતા પ્રમાણે નેજા અને ઘોડા ચઢાવ્યા હતા.રામદેવપીર રાજસ્થાનના એક લોક દેવતા માનવામાં આવે છે. રાજસ્થાન બાડમેર સહિત ગુજરાત અને અન્ય સ્થળોએ પણ રણુજાના આ પીર સંત સમાજ સુધારકને માનનારો મોટો વર્ગ છે.રામદેવ પીરની નવરાત્રિ દરમિયાન એમના સ્થાનકો પર ધજા, ઘોડા ચઢાવવામાં આવે છે.અમદાવાદ શહેરમાં નવતાડ, ઘી કાંટા, મિરઝાપુર રોડ નજીક આવેલા રામદેવ પીરના મંદિરે નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ઘી કાંટાના રામદેવપીરના મંદિરે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતો. નેજા ચઢાવવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઢોલ નગારા ત્રાંસા ડીજે, ગુલાલ સાથે ઉમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)