લાડુ ખાવાની સ્પર્ધામાં વડીલ 19 લાડવા સાથે વિજેતા!

રાજકોટ: ગણપતિ મહોત્સવ હવે અંતિમ ચરણમાં છે. ત્યારે વિવિધ મંડળો દ્વારા જુદી-જુદી સ્પર્ધાઓ યોજાતી હોય છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા વિનાયકધામ ખાતે ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 50 કિલો વજન ધરાવતા એક વડીલ 19 લાડુ આરોગી પ્રથમ વિજેતા બન્યા હતા. રાજકોટ ભાજપ દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધા યોજાય છે. આ વર્ષે પણ શહેર પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શનમાં ‘ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધા’ યોજાઇ હતી. જેમાં 13 મહિલા અને 32 પુરુષો એ ભાગ લીધો હતો. બે રાઉન્ડ માં આ સ્પર્ધા યોજાઇ હતી. દરેક સ્પર્ધકને 100 ગ્રામ નો એક એવા લાડુ અપાયા હતા. લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડ 10 મિનિટનો હતો અને તેમાં પાંચ લાડુ ખાવા અપાયા હતા. પ્રથમ રાઉન્ડમાં જે પાસ થયા તેમને બીજો વીસ મિનિટનો રાઉન્ડમાં લેવાયા હતાં.

ઉત્સાહ સાથે યોજાયેલી આ સ્પર્ધામાં પુરુષોમાં પ્રથમ વિજેતા સરપદડ ગામના વડીલ ગોવિંદ જાદવ લુણાગરિયા 19 લાડવા 30 મિનિટમાં આરોગી વિજેતા બન્યા હતા. બીજા ક્રમે આવેલા માવજીભાઈએ 12 લાડવા નિયત સમયમાં ખાધા હતા. મહિલા વિંગમાં 48 વર્ષીય સાવિત્રીબેન યાદવ 30 મિનિટમાં 10 લાડવા આરોગી વિજેતા બન્યા હતા જ્યારે બીજા ક્રમે જીજ્ઞાબેન નામના એક મહિલાએ 6 લાડુ ખાય શક્યા હતા. આજે લોકોની જીવન શૈલી એવી બની છે કે લાડુ કે ગળ્યું કોઈ ચીજનું નામ પડે તો ખાવાનું તો દૂર ચીજને અડતા પણ નથી ત્યારે આજે પણ આટલા લાડુ ખાનારા મોજૂદ છે..

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરો – નિશુ કાચા)