રાજકોટ: 16 માર્ચની રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફુલ સ્પીડે આવતી કારે રસ્તે જતાં ત્રણ જેટલા વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા લઈને પેટ્રોલ પુરાવવા જતાં દૂધની ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર કાકા આયુષ ડોબરિયા સાથે જતી 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું હતું.
ગુજરાતમાં રફતારનો કહેર યથાવત્ત
વડોદરા બાદ રાજકોટમાં નબીરા બેફામ, એકનું મોત ૨ થી વધુ ઘાયલ#Vadodara #vadodaraaccident #Vadodaracaraccident #rajkotcaraccident #caraccident #accidente #gujarat pic.twitter.com/37YGTaJRgs
— Bhavik Sudra (@BhavikSudra3) March 16, 2025
રાજકોટમાં મોડી રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના યુવકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતને નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ, કારની સ્પીડ 100થી 120 હતી. આ સાથે કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. જો કે આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિચ રમેશભાઇ પટોળિયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. અકસ્માત સર્જનાર કાર કિયા કંપનીની છે અને તેનો નંબર GJ01 KX 5080 છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પાછળ બે યુવતી પણ બેઠી હતી. પરંતુ, અકસ્માત સર્જાયો એટલે બંને યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ હતી. નોંધનીય છે કે, હજુ સુધી કારચાલક નશામાં હતો કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.
