ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાધાકૃષ્ણન વિરુદ્ધ સુદર્શન

નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધને આજે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને વિરોધ પક્ષે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ખડગેએ નામની જાહેરાત કરતાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી અમારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ખડગેએ કહ્યું હતું કે તેઓ 21 ઓગસ્ટે નામાંકન કરશે. આવતી કાલે બધા વિરોધી પક્ષોના સાંસદો બપોરે એક વાગ્યે સેન્ટ્રલ હોલમાં બેઠક કરશે. બી. સુદર્શન રેડ્ડી ભારતના સૌથી પ્રતિષ્ઠિત ન્યાયવિદોમાંના એક છે. તેમની લાંબી અને પ્રતિષ્ઠિત કાનૂની કારકિર્દી રહી છે, જેમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ, ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેની સેવા સામેલ છે. તેઓ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયના સતત અને બહાદુર સમર્થક રહ્યા છે. તેઓ એક સાદી વ્યક્તિ છે અને જો તમે તેમના ઘણા ચુકાદા વાંચશો તો તમને ખબર પડશે કે તેમણે કેવી રીતે ગરીબોના પક્ષમાં નિર્ણય આપ્યા છે અને બંધારણ તથા મૂળભૂત અધિકારોની રક્ષા કરી છે.

બી. સુદર્શન કોણ છે?

બી. સુદર્શનનો જન્મ 8 જુલાઈ 1946એ આંધ્ર પ્રદેશના અકુલા માયલારામ ગામે થયો હતો. તેમણે હૈદરાબાદમાં શિક્ષણ લીધું છે. તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં રિટ અને સિવિલ કેસોમાં પ્રેક્ટિસ કરી હતી. 1988-90 દરમિયાન તેમણે હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે સેવા આપી. તેઓ 2007માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા અને 2011માં નિવૃત્ત થયા હતા.

NDAએ સીપી રાધાકૃષ્ણનને બનાવ્યા ઉમેદવાર?

ભાજપ ગઠબંધને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને વરિષ્ઠ ભાજપ નેતા સી. રાધાકૃષ્ણનને આવનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન 19 ઓગસ્ટની સાંજ સુધી પોતાનું નામાંકન ફાઇલ કરશે. રાધાકૃષ્ણન ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે અને કોઈમ્બતુરમાંથી બે વાર લોકસભા માટે ચૂંટાઈ ચૂક્યા છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો નવ સપ્ટેમ્બરે આગામી ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન કરશે.