ભાવનગર: લાંબા સમય બાદ શહેરમાં સુગમસંગીતનો એક યાદગાર કાર્યક્રમ તાજેતરમાં આયોજિત થયો. સ્વર-સંગતિ અને કવિતાકક્ષના સંયુક્ત ઉપક્રમે લીલા ગ્રુપ ઓફ કંપનીઝના સહયોગથી “…ને તમે યાદ આવ્યા” શીર્ષકથી આ કાર્યક્રમ યોજાયો. જેમાં પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનાં ચિરસ્મરણીય સ્વરાંકનોની પ્રસ્તુતિમાં ત્રણસોથી વધુ સંગીતપ્રેમી ભાવકોને સતત ત્રણ કલાક સુધી આકંઠ માણ્યો હતો.જ્ઞાનગુરુ વિદ્યાપીઠનાં પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કવિતાકક્ષના સ્થાપક પ્રમુખ પ્રા. હિમલ પંડ્યા દ્વારા પ્રસ્તાવના અને શાબ્દિક સ્વાગત બાદ પુરુષોત્તમભાઈના સ્વરમાં જ સ્તુતિગાન કરવામાં આવ્યું. ત્યાર બાદ જાણીતા ઉદ્ઘોષક તુષાર જોષીનાં સંચાલનમાં પ્રારંભે સ્થાનિક કલાકારો ડૉ. ફિરદૌસ દેખૈયા, હારિત ધોળકિયા તથા અપેક્ષા ભટ્ટ દ્વારા પુરુષોત્તમભાઈનાં કેટલાંક સર્વપ્રિય સ્વરાંકનોની પ્રસ્તુતિ કરવામાં આવ્યા. જેમાં રાત-દિવસનો રસ્તો વ્હાલમ, સાયબો મારો ગુલાબનો છોડ, પાંચીકા રમતી તી, દિવસો જુદાઈના વિગેરે રજૂ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ગુજરાતી સુગમગાયકીમાં અદકેરું સ્થાન ધરાવતા ગાર્ગી વોરાએ “હવે મંદિરના બારણાં” સ્તુતિથી આરંભ કરીને પુરુષોત્તમભાઈનાં અનેક જાણીતાં સ્વરાંકનો ઉપરાંત ખાસ અંગત બેઠકોમાં જે ગીતો ગાવાનું તેઓ પસંદ કરતાં એવાં સ્વરાંકનો પણ સુમધુર રીતે પ્રસ્તુત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં. આ પ્રસંગે ભાવનગરનું પોતીકું ગણી શકાય એવાં “માંડવાની જૂઈ” ગીતની પ્રસ્તુતિ દ્વારા સ્વ. પિનાકીનભાઈ મહેતાની સ્મૃતિઓને વાગોળીને સહુ ભાવકોની ખૂબ દાદ મેળવેલ હતી. આ ઉપરાંત હૈયાંને દરબાર, શબરીએ બોર કદી – જેવાં ગીતોથી લઈને બેફામ, મરીઝની લોકપ્રિય ગઝલો પણ ગાર્ગી વોરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શીર્ષકગીત “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા” તમામ કલાકારો અને શ્રોતાઓ દ્વારા સમૂહ સ્વરે ગાવામાં આવેલ હતું.સમગ્ર આયોજન દરમ્યાન તુષાર જોષી દ્વારા પુરુષોત્તમ-સ્મૃતિઓને સતત કેન્દ્રસ્થાને રાખીને રસસભર સંચાલન કરવામાં આવ્યું હોવાથી આખોય કાર્યક્રમ ભાવેણાંનો પુરુષોત્તમ-પ્રેમને અભિવ્યક્ત કરતો હોય એવું સુમધુર વાતાવરણ રચાયું હતું. ઘણાં વખતે ભાવનગરમાં ફરીથી એક મોટી પારિવારિક બેઠક સમાન આ આયોજનમાં કવિશ્રી હરિશ્ચંદ્ર જોશી, કવિશ્રી વિનોદ જોશી, ડૉ. ઉષા ઉપાધ્યાય, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, સ્વરકાર અનંત વ્યાસ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમની આભારવિધિ સ્વર-સંગતિ વતી રીખવ મહેતાએ કરી હતી.
(જયેશ દવે – ભાવનગર)
