મુંબઈમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે SNDT વિદ્યાપીઠ ખાતે બે કાર્યક્રમોનું આયોજન

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે એસ.એન.ડી.ટી .મહિલા વિદ્યાપીઠ મુંબઈ,અનુસ્નાતક ગુજરાતી વિભાગ તથા લેખિની દ્વારા સાન્તાક્રુઝમાં બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એક, ‘રંગકર્મી પ્રાગજી ડોસા : સ્મૃતિ વંદના’ અને બીજો કાર્યક્રમ ઉમા કુલકર્ણી લિખિત ‘કેતકરભાભી ‘(અનુવાદ પ્રતિમા પંડ્યા) પુસ્તકનું વિમોચન.

લેખક પ્રાગજી ડોસા, ફિલ્મ નિર્માતા સંસ્કાર દેસાઈ અને નાટ્યવિદ ડૉક્ટર રાજ બ્રહ્મભટ્ટ

સાન્તાક્રુઝ પશ્ચિમના જુહૂ તારા રોડ પરના એસ.એન.ડી.ટી મહિલા વિદ્યાપીઠના જે.એચ.સેન્ટર મિની ઑડિટોરિયમ ખાતે 19 ઓગસ્ટના રોજ ‘રંગકર્મી પ્રાગજી ડોસા :સ્મૃતિ વંદના’ અને પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

લેખક પ્રાગજી ડોસા આમ તો એમના બાળનાટકો દ્વારા વધુ જાણીતા છે પણ એમણે ૪૫ ઉપરાંત નાટકો, અનેક એકાંકીઓ , વાર્તાસંગ્રહ તથા અનુવાદના પુસ્તકો આપ્યાં છે. એમણે ફિલ્મની પટકથા પણ લખી છે.’જેવી છું તેવી ‘તથા બહુરૂપી ‘ ફિલ્મોને પારિતોષિક પણ મળ્યાં. એમના ‘છોરુ કછોરુ ‘ નાટકનો રશિયન ભાષામાં અનુવાદ પણ થયો અને તાશ્કંદમાં એ ભજવાયું પણ ખરું.

ઉમા કુલકર્ણી ,અભિનેત્રી મીનળ પટેલ અને પ્રતિમા પંડ્યા

જાણીતા નાટ્યવિદ ડૉક્ટર રાજ બ્રહ્મભટ્ટ અને ફિલ્મ નિર્માતા સંસ્કાર દેસાઈ પ્રાગજી ડોસાના સર્જન વિશે અને એમના સંસ્મરણો વિશેની વાત કરશે. જાણીતાં અભિનેત્રી મીનળ પટેલ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે રહેશે. લેખિની તથા એસ. એન.ડી .ટી .ગુજરાતી વિભાગની બહેનો દ્વારા નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે.

આ સાથે જ પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ પણ યોજાયેલ છે. મરાઠી અને ગુજરાતી ભગિની ભાષા છે અને બંને ભાષામાંથી અન્ય ભાષામાં ઉત્તમ સાહિત્ય અનુવાદ થતું રહે છે. ઉમા કુલકર્ણી લિખિત ‘કેતકરવહિની’ ( મરાઠી નવલકથા)નો અનુવાદ કવયિત્રી પ્રતિમા પંડ્યાએ ‘કેતકરભાભી’ નામે કર્યો છે .આ પુસ્તક એસએનડીટી ગુજરાતી વિભાગ મુંબઈ દ્વારા પ્રકાશિત થયું છે અને એના મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર છે .આ પુસ્તકનાં મૂળ લેખિકા ઉમા કુલકર્ણી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.સાથે સાથે અનુવાદક પ્રતિમા પંડ્યા પણ પોતાનું મનોગત રજૂ કરશે.

આ પુસ્તકના કેટલાક અંશનું વાચિકમ કરવામાં આવશે.સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રૉ.કવિત પંડ્યા , પ્રૉ.અંજલિ શાહ તથા ઈન્દ્રાવતી ઝાલા કરી રહ્યાં છે તથા આયોજનકર્તા પ્રૉ.દર્શના ઓઝા, ડૉ.અદિતિ સાવંત, ડૉ.હેતલ બારોટ અને પ્રીતિ જરીવાલા હાજર રહી આ પ્રસંગને માણવા નિમંત્રણ પાઠવે છે. ઈચ્છુક સર્વે લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે