ચૂંટણીના એ યાદગાર નારાઓ, જે છવાઈ ગયા જનમાનસમાં!

અમદાવાદ: ચૂંટણીમાં સૂત્રોનું પણ એક અલગ મહત્વ રહેલું છે. સૂત્રોની પોતાની એક ઉર્જા હોય છે. જે મતદારોમાં ઉત્પ્રેરક તરીકે કામ કરીને નવી જ ઉર્જા ભરી દે છે. આ વાત રાજકીય પક્ષો ખૂબ જ સારી રીતે સમજે છે. તેથી જ ચૂંટણી પ્રચાર શરૂ થતાંની સાથે જ રાજકીય પક્ષોએ કાર્યકરો અને મતદારોને નવા સૂત્રો દ્વારા ઉત્સાહિત કરવાનું શરૂ કરી દીધું છે. 2014 અને 2019ની જેમ આ વર્ષે પણ ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર સ્લોગન તૈયાર કર્યા છે.

  • 2014માં ભાજપે સૂત્ર આપ્યું હતું અબ કી બાર મોદી સરકાર. જે કામ પણ કરી ગયું. બીજી તરફ કોંગ્રેસનું સૂત્ર હતું હર હાથ તરક્કી, હર હાથ શક્તિ.
  • 2019માં ભાજપે સૂત્ર આપ્યું મોદી હૈ તો મુમકિન હૈ. અબ કી બાર ફીર મોદી સરકાર. 2019માં કોંગ્રેસનું સૂત્ર હતું મોદી હટાઓ, દેશ બચાઓ. અબ હોગા ન્યાય
  • 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૂત્ર છે, ત્રીસરી બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર. ભાજપનો દાવો છે કે આ વખતે સૌથી વધુ સીટ્સ મેળવીને તેઓ કોંગ્રેસના જૂના બધાં જ રેકોર્ડ તોડીને દેશમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.

હવે નજર કરીએ અત્યાર સુધીના ઈતિહાસના સૌથી રસપ્રદ અને યાદગાર ચૂંટણી સૂત્રો પર.

રસપ્રદ ચૂંટણી સૂત્રો

જય જવાન, જય કિસાન – 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લોકોનું મનોબળ વધારવા માટે તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આ સૂત્ર આપ્યું હતું. જેનો આગળ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ઉપયોગ કર્યો હતો.

  1. સમાજવાદિયોને બાંધી ગાંઠ, પિછડેં પાવે સૌ મેં સાઠ — 70ના દશકમાં સોશયલિસ્ટોના આ સૂત્રએ ચૂંટણીની રાજનીતિમાં મોટો બદલાવ લાવ્યો હતો. પ્રથમ વખત જાતિ આધારિત વોટર્સમાં મોટો બદલાવ થયો હતો અને એક નવો ઓ.બી.સી. વોટર વર્ગ ઉભો થયો હતો. મંડલ કમિશન અને પછાત વર્ગોને આરક્ષણ આપવાના મુદ્દે આ સૂત્ર સામે આવ્યું હતું. આ સૂત્ર રામમનોહર લોહિયાએ આપ્યું હતું.
  2. ગરીબી હટાવો – 1971માં ઈન્દિરા ગાંધીએ આપેલા આ સૂત્રના આધારે તેમને ઐતિહાસિક સફળતા મળી હતી અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયાની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ હતી. તેમના બાદ રાજીવ ગાંધીએ પણ આ જ સૂત્રનો ઉપયોગ કર્યો હતો.
  3. ઈન્દિરા હટાઓ, દેશ બચાવો – ઈમરજન્સી દરમિયાન જયપ્રકાશ નારાયણે આ સૂત્ર આપ્યું હતું. જે ઈમરજન્સી ખતમ થયા બાદ પણ વિપક્ષે પકડી રાખ્યું હતું. મોટા વિપક્ષી દળો જનતા પાર્ટીના નેજા હેઠળ આવીને ચૂંટણી લડયા અને 1977ની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી પડી હતી.
  4. એક શેરની સો લંગૂર, ચિકમગલૂર ચિકમગલૂર – ઈમરજન્સી પછી 1978માં યોજાયેલ પેટાચૂંટણીમાં આ બહુચર્ચિત ચૂંટણી સૂત્ર આવ્યું હતું. આ સૂત્ર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી માટે તૈયાર કરવામાં આવ્યું હતું. તેઓ પેટા ચૂંટણીમાં કર્ણાટકના ચિકમગલૂર બેઠક પરથી લડી રહ્યા હતા. ઈમરજન્સી પછી તરતની આ ચૂંટણીમાં ચારે તરફથી ઈન્દિરા ગાંધી વિરોધી લહેર હતી. ત્યારે કોંગ્રેસના નેતા દેવરાજ ઉર્સ દ્વારા આ સૂત્ર તૈયાર કરવામાં આવ્યું. જેની મદદથી ઈન્દિરા ગાંધી ચિકમંગલૂર બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હતા.
  5. રાજા નહીં ફકીર હૈ, દેશ કી તકદીર હૈ – 1989માં કોંગ્રેસના વિજય રથને રોકવા માટે બનાવેલા આ સુત્રએ વિપક્ષને સફળતા અપાવી હતી. તે સમયે વી. પી. સિંહ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સૂત્ર ખુબ જ ચર્ચામાં હતું. જેના જવાબમાં કોંગ્રેસે પણ સૂત્ર તૈયાર કર્યુ હતું કે, “ફકરી નહીં રાજા હૈ, સી.આઈ.એ. કા બાજા હૈ.”
  6. જબ તક રહેગા સમોસે મેં આલુ, તબ તક રહેગા બિહાર મેં લાલુ – 1990માં બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સૂત્ર ખુબ જ પ્રચલિત બન્યું હતું. તે સમયે લાલુ પ્રસાદ યાદવ પાસે વર્ષોનો ચૂંટણી લડવાનો અનુભવ હતો. 1977માં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. 1990ના દશકમાં તેમને પોતાના ચૂંટણી પ્રચારને ફરીથી વધુ મજબૂત કરવાનું લાગ્યું. ત્યારે તેમણે આ સૂત્ર આપ્યું હતું.
  7. મિલે મુલાયમ-કાંશીરામ, હવા હો ગયે જય સિયા રામ – 1993માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રામ લહેર પર સવાર ભાજપના રથને રોકવા માટે એસ.પી. અને બી.એસ.પીએ ગઠબંધન કર્યુ હતું. જેના પરિણામે આ સૂત્ર અસ્તિત્વમાં આવ્યું હતું. જેના પરિણામે ભાજપનો વિજય રથ ખરેખર રોકાય ગયો હતો.
  8. તિલક, તરાજૂ ઔર તલવાર, ઈનકો મારો જૂતે ચાર – આ સૂત્ર બી.એસ.પી.ના સંસ્થાપક કાંશીરામે 80ના દશકમાં આપ્યું હતું.
  9. સબકો દેખા બારી-બારી, અબકી બારી અટલ બિહારી – 1996માં લખનઉમાં આયોજીત એક રેલીમાં આ સૂત્રનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ વખત અટલ બિહારી વાજપેયીને પ્રથમ વખત કેન્દ્રમાં સત્તા ચલાવવાની તક મળી હતી. જો કે તેઓ માત્ર 13 દિવસ સુધી દેશના વડાપ્રધાન બન્યા હતા.
  10. કોંગ્રેસનો હાથ, આમ આદમીને સાથ – આ સૂત્રનો ઉપયોગ કરીને વર્ષ 2004માં કોંગ્રેસ ભાજપને હરાવીને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહી હતી.
  11. નજર અટલ પર, વોટ કમલ પર – 2004માં ભાજપ તરફથી આ સૂત્ર આપવામાં આવ્યું હતું.
  12. મા, માટી, માનુષ – આ સૂત્ર 2010ના વિધાસભા ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે આપ્યું હતું. મમતા બેનર્જીનીપુસ્તક પર આ સ્લોગનનો પ્રયોગ કર્યો હતો.
  13. અબ કી બાર મોદી સરકાર – 2014ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. ત્યારે મોદીની લોકપ્રિયતા જોતા આ સૂત્ર આપવામાં આવ્યું હતું. આ સૂત્ર કામ પણ કરી ગયું. 2014માં 10 વર્ષ બાદ ભાજપ ફરી સત્તા પર આવી હતી.
  14. મોદી હૈ તો મુમકિન હૈ – ફરી એકવાર લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે ભાજપના કાર્યકરો થનગની રહ્યા છે અને મોદી સરકારના 10 વર્ષના સુશાસનની ઉપલબ્ધિઓ ગણાવતા કહી રહ્યાં છે કે મોદી હૈ તો મુમકિન હૈ.